સિંચાઈ ખાતાના પ્રધાન તરીકે Ajit Pawarએ લીધું Jayant Patilનું નામ અને થયું કંઈક એવું કે…
પુણેઃ પુણેમાં યોજાયેલી મહાયુતિની સભામાં આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, રામદાસ આઠવલે, મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જેવા અનેક સ્ટાર પ્રચારકોએ જોરદાર ભાષણ આપ્યા હતા. આ જ દરમિયાન અજિત પવારે પોતાના ભાષણમાં કંઈક એવું કહ્યું હતું કે જેને કારણે હાસ્યની છોળો ઉડી હતી.
અહીંયા તમારી જાણ માટે કે સુનેત્રા પવારના પ્રચાર માટે આ સભા આયોજિત કરવામાં આવી હતી. આ સભામાં એક તરફ રામદાસ આઠવલેએ પોતાની લાક્ષણિક અદામાં કવિતાઓ કરીને ઉપસ્થિતોનું ભરપૂર મનોરંજન કર્યું હતું, જ્યારે બીજી બાજું અજિત પવારે ભાષણ દરમિયાન જયંત પાટિલનો સિંચાઈ ખાતાના પ્રધાન તરીકે ઉલ્લેખ કરતાં જ હાજર તમામ લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી.
બારામતીમાં પવાર વિરુદ્ધ પવાર લડાઈ લડાવવાની હોઈ અજિત પવારે આ પારિવારિક લડાઈ ન હોવાનું જણાવ્યું હતું. આ ચૂંટણી ડેપ્યુટી સીએમ ફડણવીસે જણાવ્યું એ રીતે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી હોવાનું જણાવ્યું હતું, કારણ વિના તેને પારિવારિક વિખવાદનો રંગ ચડાવવામાં આવી રહ્યો છે. મતદારોની લાગણીઓ સાથે રમવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે અને મતદારોના ધરે જઈને તેમને પોતાના કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે, એવું પણ પવારે વધુમાં જણાવ્યું હતું.
દરમિયાન આ વખતે અજિત પવારે પોતાના ભાષણમાં જયંત પાટિલનો સિંચાઈ ખાતાના પ્રધાન તરીકે ઉલ્લેખ કર્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં ફૂટ પડ્યા બાદ અજિત પવાર સાથે 40 વિધાન સભ્યોએ પક્ષ છોડ્યો હતો. પરંતુ પ્રદેશાધ્યક્ષ જયંત પાટિલ શરદ પવાર સાથે જ રહ્યા હતા. પરંતુ અજિત પવાર સાથે જયંત પાટિલની અવારનવાર ચર્ચાઓ થતી હોય છે. આ જ કારણસર ભૂલથી અજિત પવારે કરેલા આ ઉલ્લેખને કારણે લોકો ચોંકી ઉઠ્યા હતા.
ભાષણ દરમિયાન અજિત પવારે સિંચાઈ ખાતાના પ્રધાન હોવાના નાતે જયંત પાટિલ… એવું કહ્યું એટલે હાજર તમામ લોકો હસી પડ્યા હતા. મંચ પર બિરાજમાન મહાનુભાવો પણ હસવાનું રોકી શક્યા નહોતા. ખુદ અજિત પવાર પણ ભાષણ રોકીને હસવા લાગ્યા હતા. બાદમાં તેમણે પોતાની ભૂલ સુધારીને દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધું હતું. દેવેન્દ્ર ફડણવીસે પણ આ વાતનો હકારમાં જવાબ આપ્યો હતો.