મોઢું ફાઇલ પાછળ છૂપાવીને આ નેતા પહોંચ્યા શરદ પવારની વાટે…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લગભગ ફક્ત દોઢેક મહિનાની વાર છે અને એટલે જ પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી ઉઠી છે. હજી હાલમાં જ ભાજપના કદાવર નેતા હર્ષવર્ધન પાટીલ શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)માં સામેલ થયા છે ત્યારે મહાયુતિના અને તેમાં પણ અજિત પવાર જૂથના એક મોટા નેતા શરદ પવાર જૂથમાં સામેલ થાય તેવી શક્યતા છે.
જોકે, આ નેતાએ જે રીતે શરદ પવાર તેમ જ તેમના પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રીયા સુળેની મુલાકાત લીધી તેની ચર્ચા વધુ થઇ રહી છે. આ નેતાએ મંગળવારે શરદ પવાર સાથે મુલાકાત કરી હોવાનું જાણવા મળ્યું હતું અને મોદી બાગ વિસ્તારમાંથી સુપ્રિયા સુળેની ગાડીમાંથી જતા વખતે તેમણે એક ફાઇલ પાછળ પોતાનું મોં ઢાંકી લીધું હતું જેથી મીડિયાને કે અન્ય કોઇને તેમની ઓળખ ન થઇ શકે.
હવે અહેવાલ મળ્યા છે કે આ મોટા નેતા અજિત પવાર જૂથના છે અને તેમનું નામ રાજેન્દ્ર શિંગણે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજેન્દ્ર શિંગણે ભૂતપૂર્વ પ્રધાન પણ રહી ચૂક્યા છે. શિંગણે પોતાનું મોં છૂપાવીને ગાડીમાંથી પસાર થઇ રહ્યો હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને ત્યારથી જ તર્ક વિતર્ક થઇ રહ્યા હતા કે શરદ પવારને મળવા આવેલા આ નેતા કોણ હશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ રાજેન્દ્ર શિંગણેએ તેમણે શરદ પવારનો સાથ છોડીને તે અજિત પવાર સાથે શા માટે જોડાયા તેનું કારણ આપ્યું હતું. પોતાની બૅંકને અડચણોનો સામનો કરવો પડી રહ્યો હોવાથી તે અજિત પવાર સાથે જોડાયા હોવાનું તેમણે કહ્યું હતું. ત્યાર પછી તેમની રાજ્ય સહકારી બૅંકને 300 કરોડ રૂપિયાનું ભંડોળ આપવામાં આવ્યું હોવાની કબૂલાત પણ તેમણે કરી હતી. હવે તે શું ખરેખર શરદ પવાર સાથે જોડાશે કે શું તેની ચર્ચા થઇ રહી છે.
Also Read –