અજિત પવાર માટે ભંડોળના દુકાળ વચ્ચે લીલા દુકાળનો અધિકમાસ…

જીએસટીમાં સુધારાથી મહેસુલ ઘટી, લાડકી બહેનોની વીરપસલી તો અકબંધ જ છે ત્યાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ક્યાંથી આપવી
વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રમાં અત્યારે ખેડૂતોને સહાય આપવાના મુદ્દે રાજ્યના વિપક્ષો સરકારને ઘેરી રહ્યા છે ત્યારે રાજ્યના નાણાંપ્રધાન અજિત પવારની હાલત અત્યંત કફોડી થઈ છે. એક તરફ રાજ્યની આર્થિક હાલત અત્યંત કફોડી છે. રાજ્ય સરકાર પહેલેથી જ 9.32 લાખ કરોડના દેવા હેઠળ ડૂબી જવાની આશંકા છે અને લાડકી બહેન યોજનાનો રૂ. 36,000 કરોડનો બોજ ઘટવાનું નામ લેતો નથી. આ બધાની વચ્ચે રાજ્યમાં સર્જાયેલી પૂરની સ્થિતિમાં ખેડૂતોને કેવી રીતે મદદ કરવી એ અજિત પવારની સૌથી મોટી સમસ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જીએસટી 2.0 લાગુ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકારને જીએસટીની થનારી આવકમાં લગભગ સાત ટકાનો ઘટાડો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ ઘટાડાનું મુલ્ય લગભગ 12,000 કરોડ જેટલું થવા જાય છે. આ રાજ્યની મહેસૂલી તૂટ છે અને રાજ્ય સરકાર પહેલેથી જ બજેટમાં રૂ. 45,000 કરોડની મહેસુલી ખાધ ધરાવતી હોવાથી બોજ વધશે એવી આશંકા છે. આવી સ્થિતિમાં ખેડૂતોને લીલો દુકાળ જાહેર કરીને આર્થિક સહાય આપવી કે પછી લોનમાફી આપવાનું રાજ્યની તિજોરીને પરવડી શકે એવું નથી.
મહારાષ્ટ્રને જીએસટીની આવકમાં 7 ટકા ઘટાડો થવાની અપેક્ષા છે, મુખ્યત્વે ઓટો અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રોમાંથી 10,000-12,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. રાજ્ય સરકારે જીએસટી અને સેલ્સ ટેક્સમાંથી રૂ. 2.46 લાખ કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, જે નાણાકીય વર્ષ 2024-25 માં તેના સંગ્રહથી 20 ટકાથી વધુનો વધારો હતો. જુલાઈના અંત સુધી જીએસટીની વસૂલાત રૂ. 1.76 લાખ કરોડના વાર્ષિક લક્ષ્યાંક સામે રૂ. 57,970 કરોડને વટાવી ગઈ હતી. દેશના કુલ કલેક્શનમાં મહારાષ્ટ્રનો હિસ્સો 14 ટકાથી વધુ છે.
જીએસટી વિભાગના એક ઉચ્ચ પદ પર રહેલા અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં જીએસટી કલેક્શનમાં મહારાષ્ટ્રનો હિસ્સો 14 ટકાથી વધુ હોવાથી, નુકસાન પણ લગભગ એટલું જ હશે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં 7,000 કરોડથી વધુ અને ઇલેક્ટ્રોનિક અને વ્હાઇટ ગુડ્સ ક્ષેત્રોમાં બાકીનું નુકસાન થવાની અપેક્ષા છે,’ તેમણે કહ્યું. મહારાષ્ટ્ર આ ચીજવસ્તુઓ અને એફએમસીજી, મેડિક્લેમ અને તબીબી ઉપકરણોનો મુખ્ય ગ્રાહક છે, તેથી અહીં જીએસટીમાં ઘટાડો થવાથી વસૂલાત પર મોટી અસર પડશે, જે રાજ્ય કહે છે તેના કરતાં પણ વધુ છે.
કેન્દ્ર કે રાજ્ય સરકારે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે થયેલા નુકસાનનું વૈજ્ઞાનિક રીતે મૂલ્યાંકન કર્યું નથી, પરંતુ વાસ્તવિક નુકસાન ડિસેમ્બર પછી અનુભવાશે. જીએસટી કાઉન્સિલની બેઠકો દરમિયાન પણ, ઘણા બિન-ભાજપ શાસિત રાજ્યોએ અસંમતિ વ્યક્ત કરી અને નુકસાન માટે વળતરની માંગણી પણ કરી હતી પરંતુ મહારાષ્ટ્રે મોદી સરકારના નિર્ણયમાં સાથ આપવાનો નિર્ણય લીધો હોવાથી વિરોધ વ્યક્ત કર્યો નહોતો.
માર્ચ 2026માં પૂરા થતા નાણાકીય વર્ષ માટે દેવાનો અંદાજ રૂ. 9.32 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
વધતા દેવાની સાથે, મહારાષ્ટ્ર ભારે મહેસૂલી ખાધનો પણ સામનો કરી રહ્યું છે, જે તેની આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત છે, જે 2025-26 માટે રૂ. 45,000 કરોડથી વધુનો અંદાજ છે.
આવી સ્થિતિમાં કેબિનેટ સમિતિની બેઠકમાં ખેડૂતોને માટે સહાયની વાત આવી ત્યારે અજિત પવારે પોતાની સમસ્યા માંડી હતી અને તેથી જ રાજ્યની ખાંડ મિલો પાસેથી પૈસા લેવાનો વિચાર સામે આવ્યો હતો. મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દરેક ખાંડ મિલ પાસેથી ઓછામાં ઓછા 25 લાખ રૂપિયા મેળવવાની અપેક્ષા રાખે છે અને તેથી જ રાજ્ય સરકારે શેરડીના ખેડૂતો પર પંદર રૂપિયાનો બોજ લાદ્યો હતો. વાસ્તવમાં આ રકમ ખાંડ મિલોએ સરકાર પાસે જમા કરાવવાની છે.
રાજ્ય સરકાર દ્વારા કાઢવામાં આવેલા આંકડા મુજબ ખાંડ મિલોનો વાર્ષિક નફો 33,300 કરોડ રૂપિયા છે, જેની સામે શેરડીના ખેડૂતોને એફઆરપી હેઠળ ફક્ત અંદાજે 11,500 કરોડ આપવામાં આવે છે. બાકીની રકમ કારખાનાનો ચોખ્ખો નફો છે. આ રકમ પર રાજ્ય સરકારની નજર બગડી છે.
જોકે આ નિર્ણય પણ અજિત પવાર માટે નુકસાનકારક છે કેમ કે સ્યુગર બેલ્ટમાં રહેલા અજિત પવારની પાર્ટીના સમર્થકો આ નિર્ણયથી નારાજ થઈને એનસીપી (એસપી) તરફ સરકી જવાની શક્યતા છે. આમ અજિત પવારની સ્થિતિ વધુ કફોડી બની રહી છે.
રાજ્યની કફોડી આર્થિક સ્થિતિ
રાજ્યનું દેવું 9.32 લાખ કરોડ
મહેસુલી ખાધ (બજેટ મુજબ) 45,000 કરોડ
લાડકી બહેન યોજનાનો બોજ 36,000 કરોડ
જીએસટી સુધારાને કારણે મહેસુલી આવકમાં ઘટાડો 12,000 કરોડ