મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં પૂરમાં ફસાઈ ગયેલા ૪૦ લોકોનું એરલિફ્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં પડી રહેલા મુશળધાર વરસાદને પગલે રાજ્યમાં અનેક ઠેકાણે પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થઈ છે. બીડ જિલ્લાના આષ્ટી પાથર્ડી તાલુકામાં થયેલી અતિવૃષ્ટિને પગલે ફસાઈગયેલા ૪૦ ગ્રામવાસીને નાયબ મુખ્ય પ્રધાનના આદેશ બાદ એરલિફ્ટ કરીને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
મુંબઈ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે, તેમાં પણ અમુક જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ રહી છે ત્યારે તેની પાર્શ્ર્વભૂમી પર નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે બપોરના મંત્રાલયમાં આવેલા ડિઝાસ્ટર કંટ્રોલની મુલાકાત લઈને રાજ્યની પરિસ્થિતિનો અહેવાલ લીધો હતો. આ દરમ્યાન તેમણે બીડ જિલ્લાના આષ્ટી પાથર્ડી તાલુકાના અમુક ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હોવાને કારણે ત્યા ફસાઈ ગયેલા ૪૦ ગ્રામવાસીઓને એનડીઆરએફની મદદથી એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો હતો.
જે જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે તે જિલ્લાના મુખ્યત્વે પુણે, છત્રપતિ સંભાજી નગરના ધિકારીઓ સાથે એ સમયે શિંદેએ સંવાદ સાધીને તાત્કાલિક મદદ પૂરી પાડીને બચાવકામગીરી માહિતી મેળવી હતી. એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે પણ તેમણે ફોન પર ચર્ચા કરીને વરસાદની સ્થિતિ જાણી હતી અને મુંબઈમાં જયાં પાણી ભરાઈ જવાની ફરિયાદ આવી હતી ત્યાં વધારાનું મનુષ્યબળ તહેનાત કરવાની સૂચના આપી હતી.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની પરિસ્થિતિ કેવી હશે તેનો અંદાજ લઈને તે મુજબ જિલ્લા પ્રશાસનને સર્તક લેવાનો અને યોગ્ય પગલાં લેવાની સૂચના પણ આ સમયે શિંદેએ આપી હતી.
આ પણ વાંચો…પુણે અને બીડ માટે સારા સમાચાર!