મહારાષ્ટ્રમાં ઓવૈસીની AIMIM ડાર્ક હોર્સ તરીકે ઊભરીઃ મુંબઈમાં કરી કમાલ, કારણ જાણો?

મુંબઈ: મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાના પ્રતિષ્ઠાભર્યા જંગના પરિણામોએ રાજ્યના રાજકારણમાં નવો વળાંક લાવી દીધો છે. નવ વર્ષના લાંબા સમયગાળા બાદ યોજાયેલી આ ચૂંટણીમાં 3.48 કરોડ મતદારોએ 15,931 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કર્યો છે. શરુઆતના વલણો અને પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે શહેરી મતદારોએ વિકાસ અને સ્થિરતાના મુદ્દે ‘મહાયુતિ’ પર મહોર મારી છે, પરંતુ એક વાત નોંધવા જેવી છે કે આ ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં AIMIMનો ચોંકાવનારો ઉદય થયો છે.
મુંબઈમાં ચાર ઉમેદવાર જીત્યા
બીજી બાજુ મુંબઈની પાલિકામાં ચોંકાવનારા પરિણામો મળ્યા છે, જ્યાં ચાર બેઠક પર જીત મેળવી છે. મુંબઈમાં વોર્ડ 136 જમીર કુરૈશી, 137માં સમીર રમજાન પટેલ, ત્રીજી જીત 145 વોર્ડ ખૈરનુસા અકબર હુસૈન, જ્યારે 134માં મેહજબીન અતીક અહમદે જીત મેળવી છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે સમાજવાદી પાર્ટીના નેતા અબુ આજમી અને એનસીપીના નેતા નવાબ મલિક વચ્ચેના મતભેદને કારણે વોટબેંકમાં ગાબડા પડ્યા છે, જ્યારે તેનો સીધો ફાયદો એઆઈએમઆઈએમને મળ્યો છે.
આ પણ વાંચો…BMC Results 2026: મુંબઈમાં ‘મહાયુતિ’ બહુમતી તરફ, જાણો વોર્ડ મુજબ વિજેતા ઉમેદવારોની યાદી
‘ડાર્ક હોર્સ’ તરીકે ઊભરી આવી AIMIM
મુંબઈ, પુણે, નાગપુર અને થાણે જેવા મુખ્ય શહેરોમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાના નેતૃત્વ હેઠળના ‘મહાયુતિ’ ગઠબંધને વિરોધીઓને પછાડ્યા છે. ચૂંટણી પરિણામના અહેવાલો મુજબ મહાયુતિ 1,200થી વધુ બેઠક પર લીડ ધરાવી રહ્યું છે. તેની સામે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું ગઠબંધન 120થી પણ ઓછી બેઠકોમાં સમેટાઈ ગયું છે, જેનાથી ઠાકરે બ્રાન્ડને મોટો ફટકો પડ્યો છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM મહારાષ્ટ્રના રાજકારણમાં ‘ડાર્ક હોર્સ’ તરીકે ઉભરી આવી છે.
AIMIM એ કોંગ્રેસ અને NCP (શરદ પવાર)ની પરંપરાગત વોટ બેંકમાં ગાબડું પાડ્યું છે. બપોરના 2 વાગ્યા સુધીના અહેવાલ પ્રમાણે AIMIM 67 બેઠક પર આગળ હતી. માલેગાંવમાં ઓવૈસીની પાર્ટી 20 બેઠક સાથે પહેલા ક્રમે છે. જ્યારે શિવસેના 18 બેઠક સાથે બીજા ક્રમે છે. આ સિવાય અહિલ્યાનગરમાં AIMIM 3 બેઠક સાથે આગળ છે. ખાસ વાત એ છે કે, ચંદ્રપુરમાં પહેલીવાર AIMIMનો પ્રતિનિધિ ચૂંટાઈ આવ્યા છે. આમ, AIMIMએ મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરી છે.
આ પણ વાંચો…મહારાષ્ટ્ર નગરપાલિકા ચૂંટણી: કાકા શરદ પવારનો જાદુ ઓસર્યો, ભત્રીજાએ મેદાન માર્યું
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં અન્ય કોઈ પક્ષની મદદ વગર ભાજપે પોતાની મદદ મજબૂત કરી છે. AIMIMના ઉદયને કારણે મુસ્લિમ અને દલિત બહુમતી ધરાવતા વિસ્તારોમાં કોંગ્રેસ અને શરદ પવાર જૂથને મોટું નુકસાન થયું છે. આ પરિણામો આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે પાયાનું કામ કરશે, જેમાં મહાયુતિનો પક્ષ ભારે જણાશે.



