દીકરીનું સરનામું ભૂલી ગયેલી અમદાવાદની ગુજરાતી વૃદ્ધાનો પોલીસે કરાવ્યો મેળાપ…
ત્રણ દિવસ કેઈએમ હૉસ્પિટલ બહાર વિતાવ્યા: પર્સમાં બે લાખ રૂપિયા હતા

યોગેશ સી. પટેલ
મુંબઈ: દીકરીને મળવા માટે બે લાખ રૂપિયા લઈને છેક અમદાવાદથી આવેલી ગુજરાતી વૃદ્ધા નબળી યાદશક્તિને કારણે દીકરીનું સરનામું ભૂલી ગઈ હતી, જેને કારણે ત્રણ દિવસ તેણે કેઈએમ હૉસ્પિટલની બહાર વિતાવ્યા હતા. વૃદ્ધાના પર્સમાંથી મળી આવેલા એક કાગળના ટુકડા પર લખેલા ફોન નંબરને આધારે પોલીસે પૂરતી વિગતો મેળવી હતી અને વૃદ્ધાનો મેળાપ પરિવારજનો સાથે કરાવ્યો હતો.
ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ સંજય પોટે ચોથી જૂને રાઉન્ડઅપ પર નીકળ્યો ત્યારે તેની નજર કેઈએમ હૉસ્પિટલની બહાર ફૂટપાથ પર બેસેલી વૃદ્ધા પર પડી હતી. સારા ઘરની દેખાતી વૃદ્ધાની પોટેએ પૂછપરછ કરતાં તેને કંઈ યાદ નહોતું. આખરે પોટેએ નિર્ભયા પથકને જાણ કરી હતી.
નિર્ભયા પથકની અધિકારીઓ વૃદ્ધાને ભોઈવાડા પોલીસ સ્ટેશને લઈ આવી હતી. વૃદ્ધાને તેનું નામ પ્રમીલાબહેન હોવાનું અને તે સંસ્કાર નગરમાં રહેતી હોવાનું યાદ હતું. જોકે સંસ્કાર નગર ક્યાં આવ્યું તેની પણ તેને જાણ નહોતી. આ સિવાયની વિગતો પૂરી પાડવામાં અક્ષમ પ્રમીલાબહેનના પર્સમાં પોલીસે ચકાસણી કરી હતી. અધિકારીઓના આશ્ર્ચર્ય વચ્ચે પર્સમાંથી બે લાખ રૂપિયા મળી આવ્યા હતા.
પર્સમાંથી પોલીસને કાગળનો ટુકડો મળ્યો હતો, જેના પર મોબાઈલ નંબર લખ્યો હતો. એ નંબર પર પોલીસે કૉલ કર્યો તો અમદાવાદના કૅબલ ઑપરેટરનો હોવાનું જણાયું હતું. કૅબલ ઑપરેટરની મદદથી વૃદ્ધાના અમદાવાદમાં રહેતા પુત્રનો સંપર્ક થયો હતો. વૃદ્ધાની કોઈ ભાળ ન મળતાં અમદાવાદમાં મિસિંગની ફરિયાદ નોંધાવાઈ હતી.
વૃદ્ધાની ઓળખ પ્રમીલાબહેન વ્યાસ (74) તરીકે થઈ હતી. તે મુલુંડમાં રહેતી દીકરીને મળવા માટે અમદાવાદથી નીકળી હતી, પરંતુ બોરીવલી પહોંચ્યા પછી નબળી યાદશક્તિને કારણે તે દીકરીનું નામ-સરનામું સહિત બધી વિગતો ભૂલી ગઈ હતી. તે કેઈએમ હૉસ્પિટલ કઈ રીતે પહોંચી તેની પણ જાણ નહોતી.
પોલીસને પ્રમીલાબહેનની મુલુંડમાં રહેતી દીકરી નીતાનો મોબાઈલ નંબર મળતાં તેને વીડિયો કૉલ કરવામાં આવ્યો હતો. નીતાએ માતાને ઓળખી કાઢતાં અધિકારીઓએ તેને પોલીસ સ્ટેશને આવવાનું કહ્યું હતું. ભોઈવાડા પોલીસ સ્ટેશન પહોંચેલી નીતા તેની માતાને મળી શકી હતી.