આમચી મુંબઈટોપ ન્યૂઝ

દીકરાની સારવાર માટે બાંગ્લાદેશીઓને બોગસ પાસપોર્ટ બનાવી આપતો પિતા…

સલમાન ખાનના ટ્રસ્ટે ભૂતકાળમાં મદદ કરી હતી: ધરપકડ કરનારી અમદાવાદ પોલીસે પણ મદદનો હાથ લંબાવ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: દીકરાની સારવાર માટે ત્રણ બાંગ્લાદેશી નાગરિકોને બોગસ પાસપોર્ટ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થયેલા પિતા બાદશાહ રશીદ ખાન (42)ની અમદાવાદ પોલીસે ધરપકડ કરી હતી. થેલેસેમિયાથી પીડાતા ખાનના પુત્રની સારવાર માટે ભૂતકાળમાં બોલીવૂડના સ્ટાર સલમાન ખાનના ટ્રસ્ટે મળી હતી અને ખુદ અમદાવાદ પોલીસે પણ ખાન પરિવારની સમસ્યા જાણી આર્થિક મદદ માટે હાથ લંબાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

અંધેરીના ડી. એન. નગર પરિસરમાં રહેતા અને નાળિયેર વિક્રેતા બાદશાહ ખાનનો 19 વર્ષનો પુત્ર થેલેસેમિયાથી પીડાય છે. તેની સારવાર માટે રોજના અઢી હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે. પુત્રની સારવાર પાછળ ખાને તેનું ઘર, કાર અને દુકાન વેચવી પડી હતી. આર્થિક રીતે પાયમાલ થયેલા ખાને પુત્રની સારવાર માટે આર્થિક મદદ મેળવવા સલમાન ખાનના ટ્રસ્ટનો સંપર્ક સાધ્યો હતો. ટ્રસ્ટે તેને મદદ સુધ્ધાં કરી હતી.

તાજેતરમાં અમદાવાદ સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપે (એસઓજી) અમદાવાદથી મલયેશિયા જઈ રહેલા ફુરખાન શેખ (27)ને અમદાવાદ ઍરપોર્ટ પર પકડી પાડ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શેખ બાંગ્લાદેશનો વતની છે, પણ તેના પાસપોર્ટ પર સરનામું અંધેરીના બાદશાહ ખાનના ઘરનું નોંધવામાં આવ્યું હતું. શેખે બનાવટી દસ્તાવેજોને આધારે પાસપોર્ટ પ્રાપ્ત કર્યો હતો અને તેના બે બાંગ્લાદેશીને પણ મદદ કરી હતી. તેના મોબાઈલ ફોનમાંથી દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.

મુંબઈ આવેલી અમદાવાદ પોલીસે બાદશાહ ખાનની ધરપકડ કરી હતી. ખાનની પત્ની પુત્રની સારવારના દસ્તાવેજો સાથે અમદાવાદમાં પોલીસને મળી હતી. ખાને પુત્રની સારવાર માટે નાણાંની જરૂર હોવાથી આ કામ કર્યું હોવાનું કબૂલ્યું હતું. તેની દુખદ કથની સાંભળી અમદાવાદ પોલીસે ખાનની પત્નીને પુત્રની સારવાર માટે આર્થિક મદદ કરી હતી.

આપણ વાંચો : Ahmedabad માં ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલા 34 વાહનોમાં આગ લાગતા બળીને ખાખ, તપાસ શરૂ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button