આમચી મુંબઈ

અકસ્માતનું કારણ બર્ડ હિટ?

અમદાવાદ એરપોર્ટ ફરતે અનેક કતલખાનાં છે, તેથી રન-વે ઉપર સતત પક્ષીઓના ઝુંડ ઉડતા હોવાનું કહેવાય છે.

બિમલ મહેશ્વરી
મુંબઈ:
અમદાવાદમાં ગુરુવારે બપોરે એર ઈન્ડિયાના વિમાનને નડેલા અકસ્માત માટે બર્ડ હિટને મુખ્ય કારણ માનવામાં આવે છે. વિમાનનું બ્લેક બોક્સ તપાસકર્તાઓએ બરામદ કરી લીધું હોવાથી દુર્ઘટનાના ચોકક્સ કારણની થોડા દિવસ પછી ખબર પડશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ પણ તેમના સત્તાવાર નિવેદનમાં બર્ડ હીટની શક્યતાનો ઉલ્લેખ કર્યો છે.

આ દુર્ઘટનાની તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ મુંબઈ સમાચારને કહ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ પાસે ઘણા કતલખાના આવેલાં છે અને એને કારણે ત્યાં મોટા મોટા પક્ષી સતત જનાવરોના અવશેષોને આરોગવા મંડરાતા હોય છે.

આપણ વાંચો: આગનો ગોળો કેવી રીતે બની ગયું વિમાન? જાણો તેની અંદરની વાત

રન-વે પરના આકાશમાં પક્ષીઓના ત્રાસને કારણે ઘણા પાઈલટ્સ અમદાવાદ એરપોર્ટથી પ્લેન ઉતારવા અને ઉડાડવામાં ગભરાતા હોય છે. ગુરુવારના અકસ્માતમાં પણ બર્ડ હિટને કારણે બન્ને એન્જિનને પાવર મળતો બંધ થઈ ગયો અને એક મિનિટ 40 સેકેન્ડમાં ખેલ ખતમ થઈ ગયો હોવાનું મનાય છે.

લગભગ 11 વર્ષ જૂના આ પ્લેનની ફિટનેસ એકદમ સારી હતી અને એના બન્ને એન્જિન પણ એકદમ સારી રીતે કામ કરતાં હતા એમ આ સૂત્રોએ કહ્યું હતું. વિમાનના પાઈલટ સુમિત સબરવાલને પણ 8200 કલાકથી વધુ વિમાન ઉડાડવાનો અનુભવ હતો જ્યારે –પાઈલટને 1100 કલાકનો ફ્લાઈંગનો અનુભવ હતો.

વિમાનમાં ખરાબી સર્જાઈ ત્યારે પાઈલટે મે-ડેનો મેસેજ પણ એર ટ્રાફિક કંન્ટ્રોલ (એટીસી)ને મોકલ્યો હતો. જોકે એટીસી કંઈ કરે એ પહેલા જ વિમાન તૂટી પડ્યું હતું. વિમાન તૂટ્યું ત્યારે એ માંડ 620 ફૂટની ઉંચાઈ પર હતું અને એની સ્પિડ 175 નૉટ (પ્રતિ કલાકે 325 કિલોમિટર)ની હતી.

આપણ વાંચો: અમેરિકામાં વિમાન દુર્ઘટનાના મૃતકોમાં પ્રવાસી ભારતીય મહિલા સામેલઃ દોઢ વર્ષ અગાઉ થયા હતા લગ્ન…

સૂત્રોએ કહ્યું હતું કે ડ્રિમલાઈનર વિમાનના બન્ને એન્જિન એક સાથે ખરાબ થઈ જાય એવું બનવું લગભગ અશક્ય છે. અકસ્માતનું બીજું કારણ વિન્ડ-શિયર ((Wind-Shear) હોઈ શકે છે. આ વિન્ડ શિયર સમજાવતાં સૂત્રોએ કહ્યું હતું કે હવાની દિશા અને ગતિમાં જો અચાનક ફેરફાર થાય એને વિન્ડ-શિયર કહેવાય છે. ટેક્ક-ઓફ્ફ અને લેન્ડિંગ વખતે હવામાનમાં આ ફેરફાર ઘાતક પુરવાર થઈ શકે છે.

વિમાનના એન્જિનને મળતો પાવર ઘટી જાય અને વિમાનને ઉંચાઈ પર લઈ જવામાં પણ તકલીફ પડે છે. જો કે અમદાવાદ એરપોર્ટ પાસેના હવામાનને જોતા તપાસકર્તા વિન્ડ-શિયરની શક્યતા નહીંવત્ હોવાનું માને છે.

અમદાવાદથી ગેટવિક એરપોર્ટની આશરે નવ કલાકની સફર વિમાન ટેક્ક-ઓફ થયું એના એક મિનિટ 40 સેકન્ડમાં પુરી થઈ ગઈ. આવું કેમ બન્યું એનું સાચું કારણ બ્લેક બોક્સમાં બંધ છે અને એની આવતા થોડા દિવસોમાં સત્તાવાર રીતે ખબર પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button