અમદાવાદ પ્લેન ક્રેશઃ ડોંબિવલીની રોશની સોનઘરેની માતાને નથી ખબર કે તેમની દીકરી હવે… | મુંબઈ સમાચાર

અમદાવાદ પ્લેન ક્રેશઃ ડોંબિવલીની રોશની સોનઘરેની માતાને નથી ખબર કે તેમની દીકરી હવે…

ગુજરાતના અમદાવાદ ખાતે ગુરુવારે થયેલાં દર્દનાક અકસ્માતને આખા દેશને હચમચાવીને મૂકી દીઝો છે. અમદાવાદથી લંડન જઈ રહેલાં એર ઈન્ડિયાનું પ્લેન ટેકઓફ કર્યાના મિનિટોમાં જ તૂટી પડ્યું હતું.

આ અકસ્માતમાં ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલાં 230 પ્રવાસીઓ સહિત એરલાઈનના 12 ક્રુ મેમ્બર્સનું પણ મૃત્યુ થયું હતું. 12 ક્રુમાંથી જ એક હતી મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોંબિવલીમાં રહેતી 27 વર્ષીય રોશની સોનઘરેનું પણ નિધન થયું હતું.

આપણ વાંચો: અકસ્માતનું કારણ બર્ડ હિટ?

રોશનીના મામાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે રોશની ડોંબિવલીમાં તેના ઘરે જ મોટી થઈ હતી. 10 બાય 10ની રૂમમાં રોશનીએ પોતાની નાની આંખોથી આસમાનમાં ઉડવાનું મોટું સપનું જોયું અને તેણે એર હોસ્ટેસ બનીને પોતાનું આ સપનું સાકાર પણ કર્યું.

રોશનીના મામાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે રોશનીએ નાનપણથી જ એરહોસ્ટેસ બનવાનું સપનું જોયું હતું. તેના પિતા ટેક્નિશિયન છે અને એટલે જ તેની ઈચ્છા હતી કે તે કંઈક અલગ કરે.

આપણ વાંચો: પ્લેન અકસ્માતમાં સૌરાષ્ટ્રે લોકલાડિલા નેતા વિજય રુપાણીને ગુમાવ્યા, રાજકારણમાં અનન્ય આપ્યું હતું યોગદાન…

શરૂઆતમાં રોશનીએ બે વર્ષ સ્પાઈસ જેટમાં કામ કર્યું અને ત્યાર બાદ તેણે એર ઈન્ડિયા એરલાઈન્સ જોઈન કરી લીધી. બે દિવસ પહેલાં જ તે ગામ આવી હતી. દાદા-દાદી, કાકા કાકીને મળી અને કુળદેવતાના દર્શન કર્યા. પરંતુ જેવી ઘરે પાછી આવી કે તેને લંડનની ફ્લાઈટમાં ડ્યુટી લાગી અને તે જતી રહી.

રોશનીના લગ્ન હજી નક્કી નથી થયા અને મેં એક મહિના પહેલાં જ તેને પૂછ્યું હતું કે લગ્ન વિશે વિચાર્યું છે? જેના જવાબમાં રોશનીએ જણાવ્યું કે જે છોકરો એને ગમશે એની સાથે જ તે લગ્ન કરશે, એવું તેના મામાએ વધુમાં જણાવ્યું હતું.

રોશનીની માતાને લો બ્લડપ્રેશરની સમસ્યા છે અને એને કારણે જ તેમને હજી સુધી રોશનીના નિધનની જાણ નથી કરવામાં આવી. રોશનીનો નાનો ભાઈ શિપ પર ગયો છે, પણ રોશનીના પિતા અને મોટા ભાઈ સહિત અન્ય પરિવારના સભ્યો અમદાવાદ પહોંચી ચૂક્યા છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button