
પુણે : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ શનિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે શરદ પવારે 1999થી મહારાષ્ટ્રમાં જાતિવાદી રાજકારણને પ્રોત્સાહન આપ્યું અને સમાજમાં નફરત ફેલાવી. આગામી 20 નવેમ્બરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી(Maharashtra Election 2024) માટે પુણેમાં એક રેલીને સંબોધતા રાજ ઠાકરેએ કહ્યું કે પવારે રાજકીય લાભ માટે રાજ્યમાં જાતિવાદને નવો આકાર આપ્યો છે અને સમાજમાં નફરત ફેલાવી છે.
મરાઠાઓ અને OBC વચ્ચે જાતિવાદને પ્રોત્સાહન
રાજ ઠાકરેએ કહ્યું, શરદ પવારે મહારાષ્ટ્રમાં જાતિવાદી રાજનીતિ શરૂ કરી હતી. તેમણે સમાજમાં નફરત અને વિખવાદ ફેલાવવા માટે જાતિ આધારિત રાજકારણ કરવાનું શરૂ કર્યું હતું. પહેલા બ્રાહ્મણો અને મરાઠા સમુદાય વચ્ચે જાતિગત તણાવ પેદા થયો હતો અને હવે મરાઠાઓ અને OBC વચ્ચે જાતિવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
મહારાષ્ટ્રના વિવિધ સમુદાયો વચ્ચે સંઘર્ષ સર્જાયો
ઠાકરેના જણાવ્યા અનુસાર, શરદ પવારના આ પગલાનો હેતુ રાજ્યમાં સામાજિક ધ્રુવીકરણને પ્રોત્સાહન આપવાનો હતો, જેથી તેઓ પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરી શકે. તેમણે આરોપ લગાવ્યો કે શરદ પવારે સત્તામાં રહેવા માટે મહારાષ્ટ્રમાં વિવિધ સમુદાયો વચ્ચે સંઘર્ષ ઊભો કર્યો, જેના કારણે રાજ્યમાં સામાજિક અને રાજકીય અસ્થિરતા વધી છે.
જાતિવાદી રાજકારણનો અંત લાવવો જોઈએ
રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે, જાતિવાદી રાજનીતિનો અંત આવવો જોઈએ અને તમામ વર્ગોને સમાન અધિકાર મળવા જોઈએ. શરદ પવાર અને તેમની પાર્ટીએ તેનો એક સાધન તરીકે ઉપયોગ કર્યો છે, જે માત્ર સમાજ માટે જ નહીં પરંતુ મહારાષ્ટ્ર માટે પણ નુકસાનકારક છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે મતદાન થશે જ્યારે 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.