જામીન પર છૂટીને ફરી ચોરી કરનારો રીઢો ચોર પકડાયો…

છેલ્લે મહાલક્ષ્મીના ફ્લૅટમાંથી આરોપીએ 21.74 લાખની મતા ચોરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ધરપકડ બાદ જામીન પર છૂટીને ફરી ચોરી કરનારા રીઢા ચોર સાથે આગ્રીપાડા પોલીસે ચોરીના દાગીના ખરીદનારા ઝવેરીને પણ પકડી પાડ્યો હતો. 33થી વધુ ગુનામાં સંડોવાયેલા આરોપીએ છેલ્લે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શને ગયેલા મહાલક્ષ્મીમાં રહેતા કુટુંબના ફ્લૅટમાંથી સોના-ચાંદીના દીગાના અને રોકડ મળી અંદાજે 21.74 લાખ રૂપિયાની મતા ચોરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ અરબાઝ અલી મોહસીન અલી મલિક ઉર્ફે રહેમાન ટેકડી (27) અને અજિત ગોવિંદ ચવ્હાણ (40) તરીકે થઈ હતી. આરોપી પાસેથી 16.51 લાખ રૂપિયાના સોનાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં રહેલા બન્ને આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી અરબાઝ વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરીના 33થી વધુ ગુના નોંધાયેલા છે. છેલ્લા એક વર્ષમાં તેની આ પાંચમી વખત ધરપકડ કરવામાં આવી છે. દરેક ગુનામાં જામીન પર છૂટ્યા પછી તે ફરી ચોરી કરતો હોવાનું તપાસમાં જણાયું હતું.
ડિસેમ્બર, 2024માં દાદર પોલીસે ધરપકડ કર્યા બાદ ફેબ્રુઆરી, 2025માં આરોપી જામીન પર છૂટ્યો હતો. પછી 20 માર્ચે તેણે વડાલા ટીટીમાં ચોરી હતી. એ કેસમાં 27 જૂને જામીન પર છૂટીને આરોપીએ બીજે જ દિવસે, 28 જૂને આગ્રીપાડામાં હાથફેરો કર્યો. પછી 18 ઑક્ટોબરે જામીન પર છૂટીને તેણે 23 નવેમ્બરે ભાયખલામાં તિજોરી સાફ કરી હતી. ભાયખલા પોલીસે પહેલી ડિસેમ્બરે અરબાઝની ધરપકડ કરી હતી. એ કેસમાં 18 ડિસેમ્બરે જામીન પર છૂટીને બે દિવસમાં, 20 ડિસેમ્બરે તેણે મહાલક્ષ્મી નજીક સાત રસ્તા પાસેના ઓમકાર ટાવરમાંના ફ્લૅટમાં ચોરી કરી હતી.
આ ફ્લૅટમાં રહેતા ફરિયાદી સુરેશ જયસ્વાલના પુત્રનાં 29 નવેમ્બરે લગ્ન થયાં હતાં. પછી 19 ડિસેમ્બરે જયસ્વાલ કુટુંબ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરે દર્શન માટે ગયું હતું. 20 ડિસેમ્બરે બપોરના સમયે આરોપીએ જયસ્વાલના બંધ ફ્લૅટનું તાળું તોડ્યું હતું. કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને 3.25 લાખની રોકડ મળી 21.74 લાખની મતા ચોરી હતી.
ક્ધસ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા જયસ્વાલની ફરિયાદને આધારે આગ્રીપાડા પોલીસે ગુનો નોંધ્યો હતો. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીની ઓળખ થઈ હતી. પછી ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી તેને તાબામાં લેવાયો હતો. તેણે આપેલી માહિતી પરથી ઝવેરી ચવ્હાણની પણ ધરપકડ કરાઈ હતી.



