દુષ્કર્મ બાદ બાળકીની હત્યાથી ઉશ્કેરાયેલા લોકોનો પોલીસ સ્ટેશન પર પથ્થરમારો: 14 પોલીસ જખમી
આરોપીને નાગરિકોને સોંપવાની માગણી સાથે સ્થાનિકોનું આંદોલન: વાહનો સળગાવાયાં

મુંબઈ: જળગાંવમાં છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હોવાની ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરતાં 14 પોલીસ જખમી થયા હતા. પકડાયેલા આરોપીને નાગરિકોને સોંપી દેવાની માગણી સાથે આંદોલન કરનારાઓએ વાહનોને આગ ચાંપી હતી, જ્યારે ટોળાને વિખેરવા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. આ બનાવને પગલે જામનેર પરિસરમાં તંગદિલીભર્યું વાતાવરણ હોવાનું કહેવાય છે.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ પથ્થરમારાની ઘટના ગુરુવારની રાતે 9.30 વાગ્યાની આસપાસ જામનેર પોલીસ સ્ટેશન ખાતે બની હતી. 11 જૂનની રાતે જામનેરના ચિંચખેડા શિવાર ગામમાં છ વર્ષની બાળકીનું કથિત અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પછી બાળકીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે આરોપીની શોધ હાથ ધરી હતી. આખરે ગુરુવારે આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપી પકડાયો હોવાની વાત ફેલાતાં બાળકીના પરિવારના સભ્યો, સગાંસંબંધી અને સ્થાનિક રહેવાસીઓ જામનેર પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા હતા. જોતજોતાંમાં 300થી વધુ લોકો પોલીસ સ્ટેશન બહાર આંદોલનમાં જોડાયા હતા.
આ પણ વાંચો : ઇન્સ્ટા રીલ માટે ટીનએજરે કર્યું કંઇક એવું કે……
હીન કૃત્ય કરનારા આરોપીને નાગરિકોને હવાલે કરવાની માગણી એકઠા થયેલા લોકોએ કરી હતી. ટોળાનો આક્રોશ જોઈ પોલીસે આરોપીને સુરક્ષિત સ્થળે ખસેડવાની હિલચાલ શરૂ કરી હતી. આરોપીને અન્યત્ર લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતાં જ લોકો રોષે ભરાયા હતા અને પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરવા માંડ્યા હતા.
અમુક લોકોએ પોલીસ અધિકારી-કર્મચારી પર પણ હુમલો કર્યો હતો. પોલીસ સ્ટેશન સામે બે બાઈકને સળગાવવામાં આવી હતી. પથ્થરમારામાં વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનામાં એક ઈન્સ્પેક્ટર સહિત 14 પોલીસ ઘવાયા હતા. સારવાર માટે તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
ઉશ્કેરાયેલા લોકોને શાંત પાડવાના પ્રયાસ નિષ્ફળ જતાં પોલીસે ટોળાને વિખેરવા બળપ્રયોગ કરવો પડ્યો હતો. બનાવને પગલે વધારાની પોલીસ દળને બોલાવી સંબંધિત પરિસરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. (પીટીઆઈ)