સુરત બાદ હવે ડોંબિવલીમાં પણ શિક્ષિકાએ બાળકોને માર માર્યાની ફરિયાદ
મહારાષ્ટ્રના ડોમ્બિવલી વિસ્તારમાં આવેલી એક ઈંગ્લીશ મિડીયમ સ્કુલમાં ગણિત ભણાવનાર મહિલા શિક્ષકની જયારે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી તો ગુસ્સે ભરાયેલ મહિલા શિક્ષકે તેમને બેરહેમીથી માર માર્યો હતો. મામલો પ્રકાશમાં આવતાં વાલીઓએ સ્કુલમાં હોબાળો મચાવ્યો હતો અને મહિલા શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે સ્કુલના 80 વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવાના મામલામાં મહિલા શિક્ષક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
સ્કુલ પ્રશાસન તરફથી મહિલા શિક્ષક સામે કેસ નોંધ્યા બાદ અને કડક કાર્યવાહીનો આશ્વાસન મળતા હોબાળો શાંત થયો હતો. મળેલી માહિતી અનુસાર મહિલા શિક્ષકે ગણિતમાં નબળા પાંચમા અને છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને બેરહેમીથી માર માર્યો હતો, ઘણા બાળકોને ગરદન અને હાથ પર ઈજા થઈ હતી. કેટલાંક બાળકોને લોખંડની ફૂટપટ્ટી વડે માર માર્યો હતો. જયારે બાળકો ઘરે પહોંચ્યા તો વાલીઓનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો.
મહિલા શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગણી સાથે વાલીઓએ શુક્રવારે સ્કુલ પરિસરમાં હોબાળો મચાવ્યો હતો. વાલીઓના ગુસ્સાને જોઈને પ્રિન્સિપાલે સંબંધિત શિક્ષકને સસ્પેન્ડ કરી દીધી છે. માતા-પિતાએ શિક્ષક વિરુદ્ધ વિષ્ણુ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ વાલીઓએ પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી કે સંબંધિત શિક્ષક યોગ્ય રીતે ભણાવી નથી રહી અને બાળકોને બિનજરૂરી રીતે ઠપકો આપે છે. કેટલાંક બાળકોના વાલીઓએ બાળકોને મારવાનો પણ આરોપ લગાવ્યો હતો. વાલીઓની ફરિયાદ બાદ પ્રિન્સિપાલે મહિલા શિક્ષકને ચેતવણી આપી હતી. વાલીઓનો આરોપ છે કે પ્રિન્સિપાલને ફરિયાદ કર્યા બાદ ગુસ્સે ભરાયેલ મહિલા શિક્ષકે ક્લાસમાં જઈને વિદ્યાર્થીઓને બેરહેમીથી માર માર્યો હતો.