નવી મુંબઈમાં મેટ્રો શરુ કર્યા પછી હવે આ પાર્ટીએ સરકારને વખોડી
મુંબઈ: મુંબઈ રિજનના મેટ્રો રેલ પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવા માટે મહારાષ્ટ્ર સરકાર કમર કસી રહી છે ત્યારે મુંબઈ નજીકના નવી મુંબઈમાં પ્રસ્તાવિત મેટ્રો ટ્રેનનો કોરિડોર શરુ કરવામાં વિલંબ મુદ્દે સ્થાનિકો પછી હવે એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)એ પણ સરકારની આકરી ટીકા કરી હતી.
શરદ પવાર જૂથની એનસીપીએ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે નવી મુંબઈમાં આજથી શરૂ કરવામાં આવેલી મેટ્રોને ફક્ત સરકારે પોતાના ફાયદા માટે મોડેથી શરૂ કરી હતી. મેટ્રો રેલનો કોરિડોર છ મહિના પહેલા સેવા પૂરી પાડવા તૈયાર હતી પણ તેના ઉદ્ઘાટન માટે વડા પ્રધાનની એપોઈન્ટમેન્ટ મળતી નહોતી. જોકે, મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ નવી મુંબઈ મેટ્રો લાઇનને લોકો માટે શરૂ કરવામાં નહોતી આવી, એવો એનસીપીએ દાવો કર્યો હતો.
સરકારને માત્ર તેમની પ્રસિદ્ધિ અને પોતા માટે સફળતા મેળવવાની ચિંતા છે અને સામાન્ય લોકોને સુવિધા પૂરી પાડવામાં તેઓને રસ નથી. સરકાર ફક્ત પોતાના સ્વાર્થ માટે મેટ્રોને છ મહિનાથી વિલંબ કરી છે. મહારાષ્ટ્ર સરકારે ઉદ્ઘાટન વગર મેટ્રોની સેવા શરૂ કરવાનો નિર્ણય ફક્ત તેમના પ્રચાર માટે કર્યો છે, એવું એનસીપીએ જણાવ્યું હતું. દરમિયાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મેટ્રો સેવાને કોઈપણ પ્રકારના ઉદ્ઘાટન વગર શરૂ કરવાનો નિર્ણય લીધો છે, એમ સિડકોના અધિકારીએ જણાવ્યું હતું.
૧૭ નવેમ્બરેથી બેલાપુર અને પેંઢાર વચ્ચે શરૂ થનારી પ્રથમ મેટ્રો બપોરે ત્રણ વાગ્યાથી દોડાવવામાં આવશે અને ત્યાર બાદ ૧૮ નનવેમ્બરે સવારે છ વાગ્યાથી આ સેવાને શરૂ કરવામાં આવશે. આ રુટ પરની છેલ્લી મેટ્રો રાત્રે ૧૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ ૧૧.૧૦ કિમીની નવી મુંબઈ મેટ્રો લાઇનને પહેલા તબક્કામાં બેલાપુરથી પેંઢાર સુધી દોડાવવામાં આવવાની છે.