નાંદેડ બાદ હવે સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 8 દર્દીઓના મોત

મહારાષ્ટ્રના નાંદેડ બાદ હવે સંભાજી નગર (પૂર્વમાં ઔરંગાબાદ)ની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓના મોત થઈ ગયા છે. મૃતકોમાં બે નવજાત બાળકો પણ સામેલ છે. રાજ્યની નાંદેડ હૉસ્પટલમાં 36 કલાકમાં 31 દરદીના મોતથી રાજ્ય સરકારના કાર્યભારના ચીરા ઉડ્યા છે ત્યારે આ બીજી ઘટના પણ ચિંતા જગાવનારી છે.

શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ સરકારી હોસ્પિટલમાં થયેલા આ મોત અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, નાંદેડ બાદ હવે સંભાજી નગરની હોસ્પિટલમાં 8 દર્દીઓના મોત થઈ ગયા છે. જેમાં બે બાળકો પણ સામેલ છે. નાંદેડમાં વધુ 7 દર્દીઓના મોત થઈ ગયા છે. ઠાકરેએ ભાજપ સરકારની ઝાટકણી પણ કાઢી છે.
આ અગાઉ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં 31 દર્દીઓના મોત થઈ ગયા છે. સોમવારે રાત્રે અહીં 24 કલાક દરમિયાન 12 નવજાત સહિત 24 દર્દીઓના મોત થઈ ગયા હતા. જોકે, આ વચ્ચે આગામી 12 કલાકમાં 4 બાળકો સહિત વધુ 7 દર્દીઓના મોત થઈ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અરેરાટી ફેલાવી છે.