સરકારી પ્રતિનિધિમંડળને મળ્યા બાદ ઓબીસી કાર્યકરોએ 10 દિવસના ઉપવાસ પાછા ખેંચ્યા
જાલના (મહારાષ્ટ્ર): ઓબીસી ક્વોટામાં ઘટાડો ન થવો જોઈએ એવી માગણીને લઈને 10 દિવસથી ઉપવાસ પર ઉતરેલા ઓબીસી કાર્યકર્તા લક્ષ્મણ હાકે અને નવનાથ વાઘમારેએ શનિવારે મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ તેમની ભૂખ હડતાળ આટોપી લીધી હતી.
મરાઠાઓને અન્ય પછાત વર્ગ (ઓબીસી) કેટેગરીમાંથી અનામત મળવી જોઈએ તેવી મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગેની માગણીના વિરોધમાં બંનેએ 13 જૂનથી બેમુદત ઉપવાસ શરૂ કર્યા હતા.
અમે અમારા આંદોલનને અસ્થાયી રૂપે સ્થગિત કરી રહ્યા છીએ. જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો અમે તેને ફરીથી શરૂ કરીશું એમ હાકેએ પ્રતિનિધિમંડળને મળ્યા પછી મધ્ય મહારાષ્ટ્રના જાલના જિલ્લાના વાડીગોદ્રી ગામમાં પત્રકારોને જણાવ્યું હતું.
આ પણ વાંચો: ઓબીસીની માંગણી અને અનામતના મુદ્દે સર્વપક્ષીય બેઠક
તેમણે એવી માગણી કરી હતી કે સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન સામેના વાંધાઓ અંગે એક વ્હાઈટ પેપર જારી કરવું જોઈએ જેમાં ‘સગે-સોયરે’ અથવા કુણબીનો દરજ્જો ધરાવતા સગાં-સંબંધી મરાઠા સમાજના લોકોને કુણબી પ્રમાણપત્ર આપવાની વાત કરવામાં આવી છે.
12 સભ્યોના પ્રતિનિધિમંડળમાં રાજ્યના પ્રધાનો છગન ભુજબળ, અતુલ સાવે, ગિરીશ મહાજન, ધનંજય મુંડે, ઉદય સામંત અને વિધાન પરિષદના સભ્ય ગોપીચંદ પડળકરનો સમાવેશ થાય છે. ભુજબળ પોતે એક અગ્રણી ઓબીસી નેતા છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ક્વોટા મુદ્દે સરકાર દ્વારા 29 જૂને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં હાકે અને વાઘમારેને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ભુજબળે જાતિ આધારિત વસતી ગણતરીની માગણીનો પુનરોચ્ચાર કર્યો હતો અને દાવો કર્યો હતો કે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તેનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે અમારી વસ્તીના હિસાબે જાતિ ગણતરી અને રાજ્ય વિધાનસભાઓ અને સંસદમાં અનામતની માંગ કરીએ છીએ, જે 54 ટકા છે. જરાંગે ણતો નથી કે તે શેના વિશે વાત કરી રહ્યો છે એમ પણ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)