અજિત પવારના જવાની આફ્ટર ઈફેક્ટ: શરદ પવાર ફરી ઉતરશે લોકસભાના જંગમાં?
માઢા બેઠક પર NCPની ઢીલી પકડી રહેલી પકડને ફરી કસવા નેતાઓનો ભરોસો સિનિયર પવાર પર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની સરકારમાં અજિત પવાર સામેલ થયા બાદ હવે NCPની ચિંતામાં વધારો થયો હોવાનું સ્પષ્ટપણે અનુભવાઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ફક્ત એક બારામતી બેઠક પર વિજયની ખાતરી ધરાવતી NCPએ શરદ પવારની જૂની બેઠક માઢાને ફરી પોતાને હાથ કરવા માટે સિનિયર પવારને આ ઉંમરે મેદાનમાં ઉતારવાની વિનંતી કરી છે. શરદ પવાર જૂથના મહારાષ્ટ્ર અધ્યક્ષ જયંત પાટીલે આવી ચર્ચા થઈ હોવાનું કબૂલ કર્યું હતું, પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી એવી સ્પષ્ટતા પણ કરી હતી.
એક સમયે માઢા NCPનો ગઢ માનવામાં આવતો હતો અને અહીંથી ખુદ શરદ પવાર જંગી સરસાઈ સાથે લોકસભામાં પહોંચ્યા હતા. હવે ખાસ કરીને અજિત પવારે ભાજપ સાથે હાથ મિલાવી લીધો હોવાથી NCPની માઢા લોકસભા મતદારસંઘમાં તાકાતમાં ખાસ્સો ઘટાડો થયો છે. શુક્રવારે સવારે NCPના નેતાઓની મુંબઈમાં આયોજિત બેઠકમાં માઢા લોકસભા બેઠકની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક માટે પક્ષના જિલ્લાધ્યક્ષ બળીરામ સાઠે, પંઢરપુરની વિઠ્ઠલ સહકારી સાકર કારખાનાના અધ્યક્ષ અભિજીત પાટીલ, પક્ષના પ્રદેશ સચિવ શંકર પાટીલ, પ્રમોદ ગાયકવાડ, માઢાના સંજય પાટીલ ઘાટણેકર, નવનાથ પાટીલ વગેરે હાજર હતા. માળશિરસ તાલુકામાં મોહિતે પાટીલના વિરોધી અને કૉંગ્રેસના ભૂતપૂર્વ જિલ્લાધ્યક્ષ પ્રકાશ પાટીલે હાજરી આપીને પોતાની નિષ્ઠા શરદ પવાર પ્રત્યે હોવાનું સિદ્ધ કર્યું હતું.
આ બધાની સાથે ચર્ચા કરીને બેઠકની સમીક્ષા કરવામાં આવી હતી અને પછી બધા જ નેતાઓએ શરદ પવારને ફરી મેદાનમાં ઉતરવાની વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું હતું. વાસ્તવમાં અત્યારે માઢા લોકસભા મતદારસંઘમાં આવતી છ બેઠકોમાં કરમાળામાં સંજયમામા શિંદે (અપક્ષ), માઢામાં બબનરાવ શિંદે (NCP), ફલટણમાં દિપક ચવ્હાણ (NCP), સાંગોલામાં શિવસેનાના શહાજીબાપુ પાટીલ, માળશિરસમાં BJPના રામ સાતપુતે તેમ જ માણમાં BJPના જયકુમાર ગોરે વર્તમાન વિધાનસભ્યો છે. આમાંથી શિંદે બંધુઓ અજિત પવારની સાથે આવી ગયા છે. શહાજીબાપુ એકનાથ શિંદેની સાથે આવી ગયા છે અને બે બેઠકો BJPના કબજામાં છે. આ બધાને કારણે અત્યારે આ બેઠક પર મહાયુતિની તાકાત ઘણી વધી ગઈ છે.
આ મુદ્દે જયંત પાટીલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે મુંબઈમાં પક્ષની થયેલી બેઠકમાં માઢા બેઠક પરથી સિનિયર પવારને ઊભા રહેવાની વિનંતી કરવામાં આવી હતી. કાર્યકર્તાઓની આવી ઈચ્છા છે. આ હજી અમારી આંતરિક ચર્ચા છે. હજી સુધી આ મુદ્દે કશું નક્કી કરવામાં આવ્યું નથી. આ વિષય પર હજી વિચાર થઈ રહ્યો છે.