આજે ધનંજય મુંડે આપશે રાજીનામું? મોડી રાત સુધી દેવગિરીમાં શું થઈ ચર્ચા ને પછી…

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી શકે તેવી ઘટના આજે ઘટવાની પૂરી સંભાવના છે. ભારે ઉહાપોહ થયા બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે કેબિનેટ પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ખાસ માનવામાં આવતા ધનંજય મુંડેનું રાજીનામું માંગી લીધુ, તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે.
અજિત પવારે અગાઉ માગી લીધું હતું રાજીનામું
ધનંજય મુંડે એનસીપીના મોટા નેતાઓમાંના છે. યુવાન અને તેજતર્રાર મુંડેએ પિતરાઈ બહેન પંકજા મુંડેના મતવિસ્તારમાં એનસીપીનો ઝંડો ગાળ્યો હતો. એક સમયે તેઓ શરદ પવારના પણ ખાસ માનવામાં આવતા હતા, પરંતુ અજિત પવારે બળવો કર્યો ત્યારે તેઓ તેમની સાથે આવ્યા અને હાલમાં મહાયુતીની સરકારમાં કેબિનેટ પ્રધાન છે. મળતી માહિતી અનુસાર વાત વણસી જતી જોઈ અજિત પવારે તૈયારી જ રાખી હતી કે મુંડેએ રાજીનામું આપવું પડશે. આથી તેમણે અગાઉથી જ મુંડેએ તૈયાર રહેવા જણાવ્યું હતું. બજેટ સત્રના પહેલા દિવસે એટલે કે ગઈકાલે જ આ જાહેરાત થવાની સંભાવના હતી. ગઈકાલે મોડી રાત્રે દેવગિરી બંગલોમાં પવાર અને ફડણવીસ વચ્ચે મુલાકાત થઈ હતી અને ફડણવીસને મુંડે આજે પોતાનું રાજીનામું સોંપે તેવી સંભાવના હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ચોમેરથી ઘેરાયેલા છે ધનંજય મુંડે
ગોપીનાથ મુંડેના ભત્રીજા ધનંજય મુંડેએ ઘણા ઓછા સમયમાં બીજીવાર કેબિનેટમાં પ્રધાનપદ મેળવી લીધું હતું. મુંડેની મુશ્કેલીઓ ઠાકરે સરકારમાં પ્રધાન હતા ત્યારથી જ શરૂ થઈ હતી. અરૂણા શર્મા નામની મહિલાએ પોતે મુંડેની પત્ની હોવાનો અને તેમનાથી બે સંતાન હોવાનો દાવો કર્યો હતો. આ મામલે તે સમયે વિરોધપક્ષમાં બેસેલા ભાજપે ભારે વિવાદ કર્યો હતો. અંતે મુંડેએ પોતાના અને અરૂણાના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ અરૂણા પોતાના હક માટે કોર્ટમાં પણ ગઈ હતી અને કોર્ટે તેની તરફેણમાં ચુકાદો પણ આપ્યો હતો.
આ પણ વાંચો…મુંબઈના નાળાઓની સફાઈ આવતા સપ્તાહથી શરૂ થશે
આ ઉપરાંત મહાયુતી સરકારના હજુ તો ચાર મહિના નથી થયા ત્યાં મુંડે મોટા વિવાદમાં ઘેરાયા. બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યા મામલે તેમની ખૂબ ટીકા થઈ. તેમના ખૂબ જ નજીકના માણસ વાલ્મિકી કરાડ આ હત્યાનો મુખ્ય આરોપી છે. મુંડે અને તેમની નિકટતા જગજાહેર છે અને તેથી મુંડે સામે વિરોધપક્ષો સહિત ઘણાઓ મોરચો ખોલ્યો હતો.
આ કારણ આગળ ધરી આપશે રાજીનામું
મુંડેના રાજીનામાની માગણી ઘણા સમયથી થઈ રહી છે. મહાયુતી સરકાર માટે આ શરમજનક અને અસંમજંસવાળી સ્થિતિ છે. અજિત પવાર માટે પોતાના પક્ષના નેતાનું રાજીનામું લેવાનું સહેલું નથી. આથી બન્ને પક્ષે બીજું એક કારણ શોધ્યું છે. ધનંજય મુંડેને હાલમાં બેલ પાલ્સી નામની બીમારી થઈ છે. આ બીમારી એક રીતે ચહેરાનું પેરાલિસિસ હોય છે. આને લીધે દરદીને બોલવામાં ખૂબ તકલીફ પડે છે. મુંડેની આ બીમારીનું કારણ આગળ ધરી સરકારમાંથી તેનું રાજીનામું લેવામાં આવશે, તેમ સૂત્રો દ્વારા માનવામાં આવે છે.