ગેરકાયદે રહેતો અફઘાન નાગરિક બનાવટી પાસપોર્ટ સાથે પકડાયો…

મુંબઈ: ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા અને બનાવટી પાસપોર્ટની મદદથી યુએઈ જવાનો પ્રયાસ કરનારા અફઘાન નાગરિકને મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પકડી પાડવામાં આવ્યો હતો.
સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી દેલાવર ખાન મેન્ઝાઈ (32)એ 2017માં અલી મેહમૂદ ખાનને નામે બનાવટી પાસપોર્ટ બનાવડાવ્યો હતો.
મેન્ઝાઈ 2016માં મેડિકલ વિઝા પર વડીલો સાથે ભારત આવ્યો હતો. વિઝા પૂરા થયા છતાં તે અફઘાનિસ્તાન પાછો ગયો નહોતો. 2017માં તેણે મુંબઈમાં બનાવટી પાસપોર્ટ મેળવ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ મેન્ઝાઈ ગુરુવારે યુએઈ જવાનો હતો, પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરના ઈમિગ્રેશન અધિકારીની સતર્કતાથી તે પકડાઈ ગયો હતો. અગાઉ અફઘાનિસ્તાનની ટ્રિપ્સ વિશે ઈમિગ્રેશન અધિકારીએ પૂછેલા સવાલોનો આરોપી યોગ્ય જવાબ આપી શક્યો નહોતો.
જેને પગલે અધિકારીને શંકા ગઈ હતી. લાંબી પૂછપરછ પછી આરોપીએ કબૂલ્યું હતું કે તે ભારતમાં ગેરકાયદે વસવાટ કરતો હતો અને બનાવટી પાસપોર્ટ પર તે અબુ ધાબી પણ ગયો હતો. સહાર પોલીસે પાસપોર્ટ ઍક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ તેની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)