સમલૈંગિક સંબંધ બાંધતી વખતે પ્રૌઢનું મૃત્યુ: યુવકની ધરપકડ

મુંબઈ: દક્ષિણ મુંબઈના કાલબાદેવી વિસ્તારમાં સમલૈંગિક સંબંધ બાંધતી વખતે બેભાન થઇ ગયેલા પંચાવન વર્ષના પ્રૌઢનું મૃત્યુ થયું હતું. બેભાન પાર્ટનરને સારવારાર્થે હોસ્પિટલમાં લઇ જવાને બદલે તેને મરવાની હાલતમાં છોડી તેનો મોબાઇલ લઇ પલાયન થયેલા 34 વર્ષના યુવક વિરુદ્ધ એલ.ટી. માર્ગ પોલીસે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી.
એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન તડાખેએ જણાવ્યું હતું કે આ કેસમાં અમિત દિવેકરની ધરપકડ કરવામાં આવી હતી. દિવેકરને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 21 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
આ પણ વાંચો: ક્રાઈમ પેટ્રોલને પણ ટક્કર મારે તેવી ઘટના, પ્રેમી યુગલે સાથે રહેવા પ્રૌઢને ઉતાર્યો મોતને ઘાટ પછી…
પ્રાપ્ત માહિતી મુજબ કાલબાદેવી વિસ્તારમાં રહેનારા પ્રૌઢનો મૃતદેહ 16 ફેબ્રુઆરીએ ઘરમાંથી મળ્યો હતો. ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાની જાણ પ્રૌઢના પિતરાઇએ પોલીસને કરી હતી. આથી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી, જ્યાં પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને જી. ટી. હોસ્પિટલમાં મોકલ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હતો.
હોસ્પિટલમાં પોર્સ્ટમોર્ટમ કરાયા બાદ તેના અહેવાલમાં પ્રૌઢના મૃત્યુ બાબતે શંકા દર્શાવવામાં આવી હતી, જેને આધારે પોલીસે તપાસ આદરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે પ્રૌઢ અને આરોપી વચ્ચે ઘણાં વર્ષોથી સમલૈંગિક સંબંધ હતા. 14 ફેબ્રુઆરીએ પણ બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. એ સમયે પ્રૌઢ બેભાન થઇ ગયો હતો. આરોપી ત્યારે ડરી ગયો હતો અને પ્રૌઢને બેભાન હાલતમાં છડી તેનો મોબાઇલ લઇ પલાયન થઇ ગયો હતો. પોલીસનું કહેવું છે કે જો પ્રૌઢને સમયસર તબીબી મદદ મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત. આ બેદરકારી બદલ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી અગાઉ કાલબાદેવી વિસ્તારમાં રહેતો હતો, પણ હાલ તે બોરીવલી ખાતે રહે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.