ખાડા માટે જવાબદાર એન્જિનિયરો સામે આકરા પગલાં લેવાની પ્રશાસનની ચીમકી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ખાડા માટે જવાબદાર એન્જિનિયરો સામે આકરા પગલાં લેવાની પ્રશાસનની ચીમકી

૪૦ દિવસમાં મુંબઈના રસ્તા પર સાડા ત્રણ હજાર ખાડા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ ચાલી રહ્યું હોવા છતાં છેલ્લા ૪૦ દિવસમાં ૩,૪૫૧ ખાડા પડયા હોવાની ફરિયાદ મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ કરેલી ‘પૉટહોલ ક્વિકફ્કિસ’ મોબાઈલ ઍપ સેવા પર નોંધાઈ છે. રસ્તા પર ખાડા પડવા માટે કૉન્ટ્રેક્ટરને જવાબદાર ગણીને તેની પાસેથી દંડ વસૂલવાની સાથે જ પાલિકાના ઍન્જિનિયરોને પણ કારણ-દર્શાવો નોટિસ ફટકારી છે. બાન્દ્રા અને ધારાવીના ખાડા બાદ અંધેરીના ખાડા માટે પાલિકા નોેટિસ આપવાની છે. તેથી ૪૮ કલાકમાં ખાડા ભરવાની સૂચના આપ્યા બાદ પણ કૉન્ટ્રેક્ટર અને એન્જિનિયરોએ બેદરકારી દાખવી તો તેમનું આવી બનશે એવી ચોખ્ખા શબ્દોમાં પ્રશાસને તેમને ચેતવણી આપી છે. અગાઉ બે પ્રકરણમાં છ એન્જિનિયરોને પાલિકા નોટિસ ફટકારી ચૂકી છે.

ચોમાસામાં રસ્તા પર ખાડા પડે નહીં તે માટે તેના પર નજર રાખવા માટે મુંબઈના ૨૨૭ વોર્ડમાં એક્ઝિક્યુટીવ એન્જિનિયર, આસિસ્ટન્ટ અને સબ એન્જિનિયરો પર જવાબદારી સોંપવામાં આવી છે. છતાં રસ્તા પર પડી રહેલા ખાડાને કારણે મુંબઈગરાને હાલાકી થઈ રહી હોવાથી કૉન્ટ્રેક્ટરની સાથે જ પાલિકાના એન્જિનિયરોને જવાબદાર ગણીને તેમની સામે પગલાં લેવામાં આવવાના હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. એન્જિનિયરોએ જો નોટિસનો સમાધાનકારક જવાબ નહીં આપ્યો તો તેમની સામે આકરા પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ દરમ્યાન પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ૯ જૂન, ૨૦૨૫ ચાલુ કરેલી ‘પૉટહોલ ક્વિકફ્કિસ’ મોબાઈલ ઍપ પર ૪૦ દિવસમાં ખાડા સંદર્ભમાં કુલ ૩,૪૫૧ ફરિયાદ આવી હતી. મુંબઈના રસ્તાઓ પર ૪૦ દિવસમાં જ ત્રણ હજારથી વધુ ખાડા પડી ગયા તે પાલિકા પ્રશાસન માટે શરમજનક બાબત કહેવાય ત્યારે ૩,૨૩૭ ખાડા માત્ર ૪૮ કલાકમાં ભરી નાખવામાં આવ્યો હોવાનો દાવો પ્રશાસને કર્યો છે અને હવે ફક્ત ૨૧૪ ખાડા બાકી રહ્યા હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.

નાગરિકો ઍપ પર ફરિયાદ નોંધાવી શકે છે

પાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ નવ જૂન, ૨૦૨૫ના ‘પૉટહોલ ક્વિકફ્કિસ’ મોબાઈલ ઍપ લોન્ચ કરી હતી. આ ઍપ એન્ડ્રોઈડ અને આઈઓએસ આ બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. રસ્તા પર પડતા ખાડા અને તેના સમારકામ માટે પાલિકાના ઈર્ન્ફોમેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટે ‘પૉટહોલ ક્વિકફ્કિસ’ મોબાઈલ ઍપ વિકસાવી છે. આ ઍપ પર નાગરિકો ડિજિટલ પર્યાય આપ્યો છે, જેના પર ખાડાના ફોટો, સ્થાન અને તેનું વર્ણન કરીને અપલોડ કરીને ફરિયાદ નોંધાવી શકાય છે. નોંધાવેલી ફરિયાદ સંબંધિત વોર્ડમાં ઓટોમેટિકલી પહોંચે છે, તેને કારણે પાલિકાના એન્જિનિયર તાત્કાલિક કાર્યવાહી કરતા હોય છે. આ ઍપમાં સ્થળ સહિત ફરિયાદની નોંધણી, ફોટો, સ્થળ ટૅગિંગ, ફરિયાદની સ્થિતી, સમારકામમાં અપેક્ષિત સમય અને કામ પૂરું થયા બાદનો ફીડબેક આપવાની સુવિધા ઉપલબ્ધ છે.

આ પણ વાંચો…મુંબઈમાં ખાડા ભરવાના ખર્ચમાં ૫૦ ટકાનો ઘટાડો

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button