Mumbai Rains: 26 જુલાઇના પૂર બાદ પહેલી વખત આ બન્યું…શું કહ્યું આદિત્ય ઠાકરેએ

મુંબઈ: બુધવારે મુંબઈ અને થાણે સહિતના વિસ્તારમાં થયેલા ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા હતા તેમ જ ટ્રેન-સેવાને અસર થઇ હતી. હવે આ મુદ્દે વિપક્ષ દ્વારા સરકારની ટીકા કરવામાં આવી રહી છે.
વરલી ક્ષેત્રના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ થાણે, મુંબઈ અને પુણેમાં પાણી ભરાયા એ મુદ્દે ટીકા કરતા કહ્યું હતું કે 26 જુલાઇ 2005ની ઘટના બાદ પહેલી વખત એવું બન્યું છે કે વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇ-વે પર પાણી ભરાયા હોય. આવી ઘટના બને ત્યારે મુંબઈગરાઓને રાહત માટે જે પહેલા કરવામાં આવતું હતું એવું જરાય ન દેખાયું. અમે(અવિભાજિત શિવસેના) હંમેશા રસ્તા પર ઉતરીને લોકોની મદદ કરતા, પરંતુ બુધવારે શિંદે-સેના કે ભાજપમાંથી કોઇપણ મુંબઈગરાઓને મદદ કરવા માટે ન ફરક્યું. આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે પાલિકાનો કોઇ અધિકારી પણ દેખાયો નહોતો.
પાલિકાની નિષ્ફળતા વિશે વાત કરતા આદિત્યએ જણાવ્યું હતું કે હિંદમતા જેવા સ્થળોએ જ્યાં ભરાયેલા પાણી દૂર કરવા માટેની વ્યવસ્થા છે ત્યાં પણ પાણી ભરાયા હતા. શહેરમાં 400 પંપ અને પાંચ પમ્પિંગ સ્ટેશન છે, પરંતુ તે યોગ્ય રીતે કામ નહોતા કરી રહ્યા.
અઢી વર્ષથી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના હોદ્દા ખાલી
અઢી વર્ષથી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરના હોદ્દા ખાલી હોવાનું જણાવતા આદિત્યએ કહ્યું હતું કે સ્થાનિક પ્રતિનિધિઓ ગેરહાજર હશે તો લોકો પોતાની સમસ્યા કોને જઇને કહેશે? મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી તાત્કાલિક યોજવી જોઇએ.