આદિત્ય ઠાકરેએ કહ્યું અમે ટોલ માફીને રદ કરીશું નહીં, પણ આ પ્રોજેક્ટ તો થશે કેન્સલ
મુંબઈઃ શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ આજે જણાવ્યું હતું કે જો મહારાષ્ટ્રમાં એમવીએ સત્તા પર પાછી આવશે, તો તે વર્તમાન મહાયુતિ સરકારની ‘લાડકી બહિન યોજના’ અને મુંબઈના એન્ટ્રી પોઇન્ટ પર ટોલ માફીને રદ કરશે નહીં. આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને તેમની સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવા બદલ ઉઘડો લીધો અને કહ્યું કે રાજ્યના લોકોએ હવે તેમના “ડિપોર્ટ કાર્ડ” તૈયાર કર્યા છે. “મહાયુતિ સરકાર હેઠળ રાજ્યમાંથી વ્યવસાયો અને નોકરીઓ બહાર જઈ રહી છે,” તેમણે આરોપ લગાવ્યો. મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર મલ્ટી-બિલિયન ડૉલરના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ટેન્ડરને રદ કરશે.
ઠાકરેએ દાવો કર્યો હતો કે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચલાવી રહેલા અદાણી ગ્રુપને મુંબઈની ૧,૦૮૦ એકર જમીન આપવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાને આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પહેલા મંત્રીમંડળમાં અનેક રાહતોની જાહેરાત કરવાના આડમાં સરકારે અદાણી જૂથને ફાયદો પહોંચાડવાના નિર્ણયો લીધા હતા.
“સરકારે લાડકી બહિન યોજના અને ટોલ માફીનો નિર્ણય અગાઉ કેમ ન લીધો? અમે લાડકી બહિન યોજના અને ટોલ માફીને રદ નહીં કરીએ. તેના બદલે અમે (લાડકી બહિન યોજના હેઠળ આપવામાં આવતી નાણાકીય સહાય)ની રકમમાં વધારો કરીશું. શિંદે સરકારની મુખ્ય ‘મુખ્યમંત્રી મારી લાડકી બહિન યોજના’ હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને ૧,૫૦૦ રૂપિયાની નાણાકીય સહાય મળે છે.
સરકારે ૧૪ ઓક્ટોબરની મધ્યરાત્રિથી તમામ પાંચ બૂથ પર મુંબઈમાં પ્રવેશતા હળવા મોટર વાહનો માટે ટોલ માફ કર્યો હતો. સીએમ શિંદેના આરોપ કે અગાઉની એમવીએ સરકારમાં તમામ પ્રોજેક્ટ્સ અટકી ગયા હતા, તેના જવાબમાં ઠાકરેએ કહ્યું કે તેઓ અઢી વર્ષ સુધી શહેરી વિકાસ પ્રધાન હતા અને તેઓ નિર્લજ્જતાથી આવી વાત કરે છે.
અવિભાજિત શિવસેના, કોંગ્રેસ અને અવિભાજિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું એમવીએ ગઠબંધન નવેમ્બર ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં સત્તામાં આવ્યું. પરંતુ એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય ધારાસભ્યોએ પાર્ટી નેતૃત્વ સામે બળવો કર્યા પછી જૂન ૨૦૨૨માં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારનું પતન થયું અને સરકાર બનાવવા માટે એકનાથ શિંદેએ ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવ્યા હતા.
(પીટીઆઈ)