ડીલાઈલરોડ પુલનું ઉદ્ઘાટન કરવા બદલ ગુનો નોંધાતા આદિત્ય ઠાકરેએ કર્યા સરકાર પર શાબ્દિક પ્રહાર…

મુંબઈ: ડીલાઈલરોડ ફ્લાયઓવરનું ગેરકાયદેસર રીતે ઉદ્ઘાટન કરવા બદલ સચિન આહિર અને સુનીલ શિંદે સાથે ઠાકરે જૂથના વર્લીના ધારાસભ્ય આદિત્ય ઠાકરે સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો નોંધાતા આદિત્ય ઠાકરે એ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. મુંબઈ મહાનગર પાલિકા માર્ગ વિભાગ દ્વારા એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો. ગુરુવારે આદિત્ય ઠાકરેના નેતૃત્વમાં ડીલાઈ રોડની બીજી લેનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આદિત્ય ઠાકરેએ કહ્યું અમે મુંબઈવાસીઓ માટે લડી રહ્યા છે એટલે મારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઉદ્ઘાટન માટે સમયના અભાવે ડીલાઈ રોડ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. મુંબઈગરાઓ માટે લડતી વખતે જો મારી સામે ગુનો દાખલ થશે તો મારા દાદાને ગર્વ થશે. ગેરકાયદે બાંધકામ કરનારા બિલ્ડરો સામે કોઈ પણ જાતના ફોજદારી આરોપો દાખલ કરવામાં આવતા નથી. જેઓ સમયસર બાંધકામ પૂરું ન કરે તેમની સામે ગુનો દાખલ કરો. અમે આ કામમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. રાજ્યના પાલક પ્રધાને રાજીનામું આપવું જોઈએ. અમે સ્ટ્રીટ ફર્નિચર દ્વારા કરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ કર્યા છતાં સરકારે તેમને 22 કરોડનો આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. મુખ્ય પ્રધાન થોડા દિવસોમાં સત્તા પરથી ઉતરી જશે તેથી રાજ્યપાલે મહારાષ્ટ્રના કામોમાં ધ્યાન આપવું જોઈએ.
ઠાકરેએ શિંદે સરકારના અનેક નિર્ણય અને કામો પર ટીકા કરતાં કહ્યું નવી મુંબઈ મેટ્રો પાંચ મહિનાથી તૈયાર હોવા છતાં તેને શરૂ કરવામાં આવી નથી. સરકારી કર્મચારીઓએ દિવાળી બોનસનો મુદ્દો ઉઠાવ્યા બાદ તેમને બોનસ આપવામાં આવ્યું હતું.
આદિત્ય ઠાકરેએ રાજ્યપાલને પત્ર લખીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સમજ આપવા વિનંતી કરી હતી. એક તરફ ભાજપ કહે છે કે દેશમાં વીઆઇપી કલ્ચર નથી અને શહેરમાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. અમને કહેવામાં આવે કે અમે બ્રિજનું ઉદ્ઘાટન કરીને અમે નાગરિકોના જીવને જોખમમાં મૂક્યા છે તો સમૃદ્ધિ હાઈવેનું ઉદ્ઘાટન કર્યા પછી ત્યાં અકસ્માતો થતાં અનેક લોકોના મોત માટે કોની સામે ગુનો નોંધાવો?