વરલીમાંથી આદિત્ય ઠાકરે ચૂંટણી લડીને દેખાડે, ડિપોઝિટ જપ્ત ન થાય તો મુછ કાઢી નાખીશ: ગુણરત્ન સદાવર્તે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કાનું મતદાન થઈ ગયા બાદ હવે વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાનું જણાઈ રહ્યું છે. સહકાર ખાતા દ્વારા એડ. ગુણરત્ને સદાવર્તે અને તેમનાં પત્ની જયશ્રી પાટીલનું એસટી બેંકના સંચાલક પદ રદ કર્યાના અહેવાલો વહેતા થયા બાદ ગુણરત્ન સદાવર્તેએ આદિત્ય ઠાકરેને સીધો પડકાર ફેંક્યો છે. તેમણે બુધવારે કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં હું આદિત્ય ઠાકરેને વરલી મતદારસંઘમાંથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકું છું. આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમણે વરલીમાંથી મારી ડિપોઝિટ જપ્ત કરીને દેખાડવી. આદિત્ય ઠાકરેની ડિપોઝિટ જપ્ત નહીં થાય તો હું મુછો કાઢી નાખીશ.
સદાવર્તેએ કહ્યું હતું કે તમે વીર જીજામાતા નગરમાં આવીને જુઓ કે મારી પાછળ કેટલી મોટી શક્તિ છે. ઉદ્ધવ ઠાકરે પાછળ એકેય જોવા મળશે નહીં. વરલીમાં ઘણું આંતરિક કામ થઈ રહ્યું છે. આદિત્યના પગ નીચેથી રેતી સરકી રહી છે. વરલીમાંથી આદિત્ય ઠાકરેએ ચૂંટણી લડીને દેખાડવી. પહેલા 25 ટકા મતગણતરીમાં જ તેઓ રડતા રડતા ઘરે જશે. તેમની ડિપોઝિટ જપ્ત કરાવી દઈશ.
તેમણે એમ પણ કહ્યું હતું કે અમારું સંચાલક પદ રદ કરવામાં આવ્યું નથી. બધા અહેવાલો ખોટા જ છે. અમે આવા અહેવાલોની નિંદા કરીએ છીએ. ફરિયાદી સંદીપ શિંદે શરદ પવારના ખાસ માણસ છે, એમ પણ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે મારી બેંકનો સીડી રેશિયો 92 ટકા થઈ ગયો છે. શ્રમિકોને હવે લોન મળવા લાગી છે. ઓવરડ્રાફ્ટની સુવિધા પણ ચાલુ થઈ ગઈ છે. અમે રામ અને નથુરામના વિચારોના લોકો છીએ. જેવું કહેવામાં આવી રહ્યું છે એવું કશું જ થયું નથી. અમે સંદીપ શિંદે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવાના છીએ.
શું છે પ્રકરણ?
એડ. ગુણરત્ન સદાવર્તે અને તેમના પત્ની જયશ્રી પાટીલને સહાકર ખાતા દ્વારા મોટો ઝટકો આપીને એસટી કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર પદેથી બંનેની હકાલપટ્ટી કરવામાં આવી છે. આના માટે એવું કારણ આપવામાં આવ્યું હતું કે આ બંનેએ કેટલાક મહિના પહેલાં યવતમાળમાં સદાવર્તે પેનલના સંચાલકો દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા પહેલાં સભ્યોને અહેવાલનું વિતરણ કરવામાં આવ્યું નહોતું. અહેવાલ પર નથુરામ ગોડસેનો ફોટો છાપવામાં આવ્યો હતો. એસટી કામગારોને રાજકારણ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં ગોડસેનો ફોટો છાપવામાં આવ્યો હોવાથી એસટી કામગાર સંગઠનના અધ્યક્ષ સંદીપ શિંદેએ સહકાર કમિશનરને ફરિયાદ કરી હતી. ત્યારબાદ સહકાર ખાતા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, સંચાલક પદ રદ કરવામાં આવ્યું ન હોવાનો દાવો ગુણરત્ન સદાવર્તેએ કર્યો હતો.