અભિનેતા સચિન લોકસભાના ઉમેદવાર? જાણો શું કહ્યું તેમણે..
મુંબઈ: લોકસભાની મુંબઈની બેઠક પરથી એક મરાઠી અભિનેતાને શિંદે સેના દ્વારા ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવશે એવા અહેવાલો કેટલાક સમયથી ફરી રહ્યા હતા અને તેના પર સ્પષ્ટતા કરતાં જાણીતા અભિનેતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ પણ વાંચો: BJPમાં નારાજગીઃ શ્રીકાંત શિંદેને ટિકિટ મળતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો
ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ દ્વારા રાજ્યમાંથી લોકસભાની લગભગ બધી જ બેઠકો જીતવા માટે કમર કસી છે અને આને માટે કેટલીક બેઠકો પરથી સેલિબ્રિટીને મેદાનમાં ઉતારવાની તૈયારી થઈ રહી છે. ગજાનન કીર્તિકરની વાયવ્ય મુંબઈ મતદારસંઘમાંથી શિવસેના યુબીટીએ તેમના પુત્ર અમોલ કીર્તિકરને ઉમેદવારી આપી છે આવી સ્થિતિમાં આ બેઠક પરથી તેમના પિતાને ઉમેદવારી ન આપવી એવું નક્કી થયું છે અને તેથી આ બેઠક પરથી મરાઠી અભિનેતાને મેદાનમાં ઉતારવાની ચર્ચા થઈ રહી હતી. આને માટે અભિનેતા શરદ પોંક્ષે, સચિન ખેડેકર અને સચિન પિળગાંવકરના નામ ચાલી રહ્યા હતા.
અભિનેતાઓની બોલબાલા
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપ તરફથી કંગના રણૌત, અભિનેતા અરુણ ગોવિલ અને હેમા માલિનીને ઉમેદવારી આપવામાં આવી છે. બીજી તરફ એકનાથ શિંદેએ પોતાની પાર્ટીમાં અભિનેતા ગોવિંદાને સામેલ કરી લીધો છે ત્યારે તેમને ક્યાંથી ઉમેદવારી આપવામાં આવશે એવી ચર્ચા થઈ રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે ગોવિંદા પહેલાં ઉત્તર મુંબઈમાંથી કૉંગ્રેસના સંસદસભ્ય રહી ચૂક્યા છે.
શું કહ્યું સચિન પિલગાંવકરે?
સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સચિન પિળગાંવકરે લોકસભાની ચૂંટણીમાં ઉતરવા પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું હતું કે હું લોકસભાની ચૂંટણીમાં ઉતરી રહ્યો છું એવી અફવા મારા કાન સુધી પહોંચી છે. આ સાંભળીને હું હસ્યો. ફક્ત એટલું જ કહેવા માગું છું કે હું કોઈપણ પક્ષનો નથી. હું ફક્ત મારા પ્રેક્ષકોનો છું… 61 વર્ષથી તમારો સચિન પિળગાંવકર.
સચિનની આ પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું છે અને તેના પર મોટી સંખ્યામાં લોકો પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. કેટલાક લોકોએ તેમને અભિનંદન આપ્યા છે, જ્યારે કેટલાક લોકો તેમને ચૂંટણીમાં ઉતરવાની સલાહ પણ આપી રહ્યા છે. હવે સચિનનો ખુલાસો આવી ગયો હોવાથી બાકીના અભિનેતાઓની સ્પષ્ટતા ક્યારે આવે છે તે જોવાનું રહેશે.