
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: જુદી જુદી સ્કૂલ અને કૉલેજ પાસે તેમ જ શૈક્ષણિક સંસ્થાના પસિરમાં બીડી, સિગરેટ, તમાકુજન્ય પદાર્થનું વેચાણ કરનારા વિરુદ્ધમાં મુંબઈ મહાનગરપાલિકાએ મંગળવારે કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે ચાર દુકાનને તોડી પાડવામાં આવી હતી અને તેમની પાસેથી ૯૩ કિલો ૫૦૦ ગ્રામ તમાકુજન્ય પદાર્થ જપ્ત કરવામાં આવ્યા હતા.
તમાકુ અને તમાકુજન્ય પદાર્થ પ્રતિબંધ કાયદો-૨૦૦૩ની કલમ-ચાર અનુસાર સ્કૂલ, કૉલેજ તથા શૈક્ષણિક સંસ્થાના પસિરમાં સિગરેટ, બીડી તથા અન્ય તમાકુજન્ય પદાર્થના વેચાણ પર પ્રતિબંધ છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીના નિર્દેશ પર મંગળવારે પાલિકાના એફ-ઉત્તર વોર્ડ દ્વારા શૈક્ષણિક સંસ્થાને લાગીને આવેલા પરિસરમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
બે જુદી જુદી ટીમ દ્વારા કોકરી આગારમાં આવેલી મ્હાડા કૉલોની પરિસરમા પ્રિયદર્શની સ્કૂલ અને એસ. કે. રૉયલ સ્કૂલ, સાયન પરિસરમાં આવેલી સાધના સ્કૂલ, માટુંગા પરિસરની રુઈયા કૉલેજ, પોદાર કોલેજ, મંચેરજી જોશી ઉદ્યાન (ફાઈવ ગાર્ડન) પરિસરમાં વીરમાતા જિજાબાઈ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (વીજેટીઆઈ) તેમ જ મહેશ્ર્વરી ઉદ્યાન પરિસરમાં કાર્યવાહી કરીને ૯૫ કિલો ૫૦૦ ગ્રામ તમાકુજન્ય પદાર્થ જપ્ત કર્યા હતા અને ચાર દુકાનો તોડી પાડવામાં આવી હતી.