‘મફતિયા’ પ્રવાસીઓ પર કાર્યવાહીઃ Central Railwayએ 2 મહિનામાં વસૂલ્યો કરોડોનો દંડ

મુંબઈઃ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનોની સર્વિસ નિયમિત સમયે દોડતી નહીં હોવાથી પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકીના ભોગ બનવું પડે છે, જ્યારે આ જ ટ્રેનમાં ટિકિટ વિના ટ્રાવેલ કરનારાની સંખ્યા વધારે હોવાથી પ્રવાસીઓની સાથે રેલવે પરેશાન છે. આ મુદ્દે રેલવે પ્રશાસન દ્વારા સઘનપણે તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં બે મહિનામાં કરોડો રુપિયાનો દંડ વસૂલ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ટિકિટ બારી પરની લાંબી લાઈનો ઓછી કરવા ઓનલાઇન ટિકિટ, ટિકિટ વેન્ડીંગ મશીનો અને એપ જેવી સુવિધાઓ ઉભી કરવા છતાં રેલવેમાં વિના ટિકિટ મુસાફરી કરનારાઓની સંખ્યા ઓછી થવાનું નામ લેતી નથી. મધ્ય રેલવે (Central Railway)માં ટિકિટ વિનાના મુસાફરોને રોકવા માટે, લોકલ, મેલ-એક્સપ્રેસમાં સંપૂર્ણ ટિકિટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ટિકીટ વગરના મુસાફરોને કારણે થતી આવકની ખોટ અને ટિકિટ ધારકોને અસુવિધા ન થાય તે માટે ટિકિટ વિનાના મુસાફરોને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનમાં એપ્રિલ-મે દરમિયાન ૯.૦૪ લાખ કેસમાં અધધ કહેવાય તેવો ૬૩.૬૨ કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
મધ્ય રેલવેમાં લગભગ ૧,૮૧૦ લોકલ ટ્રેનોમાં દરરોજ લગભગ ૩૩ લાખ મુસાફર મુસાફરી કરે છેસ જયારે દરરોજ ૬૬ વાતાનુકૂલિત લોકલ ટ્રેન દોડે છે, જેમાં દરરોજ લગભગ ૭૮ હજાર પ્રવાસી મુસાફરી કરે છે. પરંતુ એરકન્ડિશન્ડ લોકલ, જનરલ લોકલ ફર્સ્ટ ક્લાસ કોચમાં ટિકિટ વિનાના મુસાફરોની સંખ્યામાં વધારો થતાં ટિકિટવાળા મુસાફરોને ઉભા રહીને મુસાફરી કરવી પડે છે.
આ પણ વાંચો : AC Localમાં ‘મફતિયા’ લોકો ટ્રાવેલ કરે છે? મધ્ય રેલવેએ જાહેર કર્યો Whatsapp number
ઉપરાંત, મધ્ય રેલવેને વારંવાર ફરિયાદો કરવામાં આવી છે કે આ લોકલ અને કોચમાં ટિકિટો તપાસવી જોઈએ કારણ કે વધારાના પૈસા ચૂકવ્યા પછી પણ મુસાફરી અસુવિધાજનક છે. લોકલ ટ્રેનમાં રવિવાર અને રજાના દિવસે પણ રેલવે સ્ટેશનો પર ટિકિટ નિરીક્ષકો હોતા નથી. જેથી મોટાભાગના મુસાફરો ટિકિટ વગર લોકલમાં મુસાફરી કરે છે. આવી બુમરાણ મુસાફરો દ્વારા સતત કરવામાં આવે છે. તેથી મધ્ય રેલવેના ટિકિટ નિરીક્ષકોએ ટિકિટ વિનાના મુસાફરોને રોકવા માટે વિશેષ નિરીક્ષણ અભિયાન હાથ ધર્યું છે. આ ઝુંબેશ દ્વારા, સેન્ટ્રલ રેલવેએ મે મહિનામાં ૪.૨૯ લાખ ટિકિટ વિનાના કેસમાં રૂ. ૨૮.૪૪ કરોડનો દંડ વસૂલ કર્યો હતો.
મધ્ય રેલવેએ એરકન્ડિશન્ડ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં ટિકિટ વિનાના મુસાફરોને રોકવા માટે ‘એસી ટાસ્ક ફોર્સ’ શરૂ કરી છે. આ ‘એસી ટાસ્ક ફોર્સ’નો ઉદ્દેશ્ય તાત્કાલિક સહાય પૂરી પાડવાનો છે. જે કેસોમાં તાત્કાલિક સહાય શક્ય ન હોય તેવા કિસ્સામાં બીજા દિવસે નિરાકરણ લાવવા માટે તપાસ હાથ ધરવામાં આવશે. મુસાફરોને ફરિયાદ કરવા માટે વોટ્સએપ નંબર ૭૨૦૮૮૧૯૯૮૭ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. પ્રવાસીઓ એસી ટ્રેન સિવાય ફર્સ્ટ ક્લાસમાં સેકન્ડ ક્લાસના પ્રવાસીઓ મુસાફરી કરતા હોય તો પણ પ્રવાસીઓ ફરિયાદ કરી શકે છે.