આમચી મુંબઈમહારાષ્ટ્ર

બિલ્ડિંગની અગાશી પર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: ચાર સગીર પકડાયા

મુંબઈ: ચેમ્બુરમાં બિલ્ડિંગની અગાશી પર લઈ ગયા પછી 12 વર્ષના બાળક સાથે કથિત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતાં પોલીસે શુક્રવારે ચાર સગીરને તાબામાં લીધા હતા. ઘટનાનો વીડિયો અજાણ્યા નંબર પરથી બાળકના પિતાના વ્હૉટ્સઍપ પર આવતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 21 એપ્રિલે ચેમ્બુરમાં આવેલા 22 માળની એસઆરએની ઈમારતની અગાશી પર બની હતી. અમુક પ્રકારની લાલચ આપી 13થી 16 વર્ષના ચાર સગીર 12 વર્ષના બાળકને બિલ્ડિંગની અગાશી પર લઈ ગયા હતા. બાદમાં સગીરોએ બાળક સાથે બળજબરીથી કુકર્મ આચર્યું હતું. બનેલી ઘટનાની જાણ કોઈને ન કરવા બાળકને કથિત ચેતવણી પણ આપવામાં આવી હતી.

આપણ વાંચો: થાણેમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: આરોપીને સાત વર્ષની કેદ

જોકે ગુરુવારે બાળકના 42 વર્ષના પિતાના મોબાઈલ ફોન પર એક વીડિયો રિસીવ થયો હતો. એ વીડિયો પુત્રનો હોવાનું નજરે પડતાં પિતાને આંચકો લાગ્યો હતો. આ અંગે પુત્રને વિશ્ર્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણે હકીકત જણાવી હતી. પુત્રએ આપેલી માહિતી પરથી પિતાએ ગુરુવારની રાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પ્રાથમિક તપાસ બાદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 377 અને 34 તેમ જ પોક્સો ઍક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાળકના નિવેદનને આધારે પોલીસે શુક્રવારે એ જ ઈમારતમાં રહેતા ચાર સગીરને તાબામાં લીધા હતા. ચારેયને બાળસુધારગૃહમાં મોકલી દેવાયા હતા, જ્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે, એમ આરસીએફ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button