10 વર્ષ પહેલાંના યુવાનની હત્યાના કેસમાં ચાર જણનો નિર્દોષ છુટકારો

થાણે: આરોપીઓને ગુના સાથે જોડતા પુરાવા અપૂરતા હોવાની નોંધ કરી થાણેની સેશન્સ કોર્ટે 10 વર્ષ અગાઉના યુવાનની હત્યાના કેસમાં ચાર જણને નિર્દોષ જાહેર કર્યા હતા.
એડિશનલ સેશન્સ જજ ડી. એસ. દેશમુખે પુરાવાના અભાવે ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને 201 હેઠળ ધરપકડ કરાયેલા ચાર જણને નિર્દોષ છોડવાનો આદેશ આપ્યો હતો. આદેશની નકલ રવિવારે પ્રાપ્ત થઈ હતી.
તપાસકર્તા પક્ષે આક્ષેપ કર્યો હતો કે ગણેશ ઉર્ફે ગણ્યા સુખદેવ અભંગ (29)ની હત્યામાં આરોપી ગણેશ ઉર્ફે ગન્યા નિવૃત્તિ રાખપસરે (50), તેનો ભાઈ મંગેશ (42), સુખદેવ ઉર્ફે સંજ્યા વિઠ્ઠલ લોન્ડે (34) અને બાદલ સદાશિવ બોડકે (38) સંડોવાયેલા હતા.
દારૂને મુદ્દે થયેલા વિવાદને પગલે 4 એપ્રિલ, 2014ના રોજ આરોપીઓએ અભંગને ઢોરમાર માર્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું. બાદમાં આરોપીઓ મૃતદેહને રિક્ષામાં કલવા રેલવે સ્ટેશને લઈ ગયા હતા. ત્યાં એક બેન્ચ પર મૃતદેહ મૂકી આરોપી ફરાર થઈ ગયા હતા.
બચાવ પક્ષના વકીલ સુધાકર પ્રસાદે તપાસમાં રહેલી વિસંગતિઓ પર પ્રકાશ પાડી અપૂરતા પુરાવાની દલીલ કરી હતી. જજે નોંધ કરી હતી કે ફરિયાદી પક્ષ પૂરતા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયો છે. પરિણામે આરોપીઓને શંકાનો લાભ આપી બધા આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. (પીટીઆઈ)