અશ્ર્લીલ તસવીરો વાયરલ કરીને મહિલાને ઍસિડ અટેકની ધમકી આપનારો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહિલાની અશ્ર્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને બ્લૅકમેઈલ કરવા સાથે ઍસિડ અટેકની ધમકી આપનારા યુવકને મીરા રોડથી પકડી પાડવામાં આવ્યો હતો.
ઝારખંડની પોલીસે મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ની ટીમની મદદથી પકડી પાડેલા આરોપીની ઓળખ ઈમામુલ હક હસનુલ હોદા (25) તરીકે થઈ હતી. છેલ્લા ત્રણ વર્ષથી ઝારખંડ પોલીસ આરોપીની શોધ ચલાવી રહી હતી. વધુ તપાસ માટે આરોપીને ડોરાંડા પોલીસના તાબામાં સોંપાયો હતો.
આપણ વાંચો: ભિવંડીમાં લગ્નની લાલચે બાર સિંગર સાથે શારીરિક સંબંધ: અશ્ર્લીલ તસવીરો શૅર કરી
અધિકારીના જણાવ્યા મુજબ આરોપીએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મહિલા સાથે મિત્રતા કરી હતી. વાતોમાં ભોળવી તેણે મહિલાની અશ્ર્લીલ તસવીરો પ્રાપ્ત કરી હતી. બાદમાં આ તસવીરોની મદદથી તે મહિલાને બ્લૅકમેઈલ કરવા લાગ્યો હતો.
મહિલાએ સંપર્ક તોડી નાખવાની વાત કરતાં આરોપીએ અશ્ર્લીલ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. મહિલાએ સંપર્ક તોડતાં આરોપીએ તસવીરો વાયરલ કરીને તેની બદનામી કરી હતી.
એ સિવાય ઍસિડ અટેક કરીને જાનથી મારવાની ચીમકી આપી હતી. પરિણામે આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે ઝારખંડની ડોરાંડા પોલીસે 2022માં ગુનો નોંધ્યો હતો.
આપણ વાંચો: પ્રેમિકાની અશ્ર્લીલ તસવીરો પાડી બ્લૅકમેઈલ કરનારા યુવકને કોયતાના 30 ઘા ઝીંકી પતાવ્યો
ગુનો નોંધાતાં જ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે રાંચી કોર્ટમાંથી આરોપી વિરુદ્ધના બિનજામીનપાત્ર વૉરન્ટ પણ મેળવ્યા હતા. છૂપાતો ફરતો આરોપી વિવિધ નામે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલી મહિલાને ફરી ત્રાસ આપવા લાગ્યો હતો.
દરમિયાન આરોપી મુંબઈમાં રહેતો હોવાની માહિતી ઝારખંડ પોલીસે મેળવી હતી. ડોરાંડા પોલીસની ટીમે ક્રાઈમ બ્રાન્ચની મદદ માગી હતી. યુનિટ-1ના ઇન્ચાર્જ પ્રમોદ બડાખની ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી માહિમના ધારાવી પરિસરમાં રહેતો હોવાનું શોધી કાઢ્યું હતું.
જોકે વારંવાર પોતાનું ઠેકાણું બદલતો આરોપી મીરા રોડમાં આવવાનો હોવાની માહિતી મળતાં પોલીસે બુધવારે છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો.