આમચી મુંબઈ

અજિત પવાર જૂથના નેતાના કહેવાથી આરોપીનો બ્લડ રિપોર્ટ બદલ્યો?: પુણે અકસ્માતના કેસમાં કોંગ્રેસ નેતાનો દાવો

મુંબઈ: અત્યંત ચકચારજનક એવા પુણે પોર્શ કાર અકસ્માત કેસ (Pune Porsche Accident)માં કૉંગ્રેસના નેતા દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો છે. અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી)ના નેતાએ આપેલી સૂચનાને પગલે ડૉક્ટરે આરોપીનો બ્લડ રિપોર્ટ બદલાવ્યો હોવાનો દાવો કૉંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવ્યો હતો.

આ કેસમાં બે ડૉક્ટર્સની ધરપકડ બાદ કૉંગ્રેસના રવિન્દ્ર ધંગેકર દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. અજિત પવાર જૂથના હસન મુશ્રીફના કહેવા પર ડૉક્ટર્સ દ્વારા સગીર આરોપીનો બ્લડ રિપોર્ટ બદલવામાં આવ્યો હોવાનો આક્ષેપ ધંગેકરે કર્યો છે.
જોકે આ આરોપને ફગાવતા મેડિકલ એજ્યુકેશન ખાતાના પ્રધાન હસન મુશ્રીફે જણાવ્યું હતું કે મને આ મામલાની કોઇ જાણકારી નથી. ધંગેકર ફક્ત સ્ટંટબાજી કરી રહ્યા છે. આ આરોપ પાયાવિહોણા છે અને ફક્ત મને બદનામ કરવા માટે લગાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે બ્લડ રિપોર્ટ બદલવાના આરોપસર પુણેની સસૂન હૉસ્પિટલના બે ડૉક્ટર્સની ધરપકડ કરવામાં આવી હતી. મળેલી જાણકારી મુજબ આ બંને ડૉક્ટરના નામ શ્રીહરિ હરલોલ અને અજય તાવરે છે. તાવરે મેડિકલ ફોરેન્સિક અને ટોક્સિકોલોજી ડિપાર્ટમેન્ટના પ્રમુખ છે જ્યારે હરલોલ ઇમરજન્સી વિભાગના ચીફ મેડિકલ ઓફિસર છે.

19 મેના રોજ રવિવારે મધરાતે પુણેમાં પોર્શ કાર દ્વારા બે બાઇકને ટક્કર મારવામાં આવી હતી. આ ઘટનામાં મધ્ય પ્રદેશના બે આઇટી પ્રોફેશનલનું મૃત્યુ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button