દત્તક પુત્રી સાથે દુષ્કર્મ કરનારો આરોપી હરિદ્વારમાં પકડાયો
પાલઘર: દત્તક પુત્રી સાથે કથિત દુષ્કર્મ કરી જાનથી મારવાની ધમકી આપ્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીને ચાર વર્ષે ઉત્તરાખંડના હરિદ્વારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ અનિલ બિડલાન તરીકે થઈ હતી. આરોપીને વધુ તપાસ માટે નાલાસોપારા પોલીસના તાબામાં સોંપાયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના સપ્ટેમ્બર, 2021માં નાલાસાપોરા પશ્ર્ચિમમાં બની હતી. 19 વર્ષની ફરિયાદી ઘરમાં એકલી હતી ત્યારે આરોપીએ કથિત દુષ્કર્મ કરી જાનથી મારવાની ધમકી આપી હતી.
આ પ્રકરણે યુવતીની ફરિયાદને આધારે નાલાસોપારા પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હતી. છેક ચાર વર્ષે આરોપી હરિદ્વારમાં પોતાની ઓળખ બદલી રહેતો હોવાની માહિતી પોલીસને મળી હતી. માહિતીને આધારે સિનિયર ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમ હરિદ્વાર પહોંચી હતી. નવોદય નગરમાંથી પકડાયેલા આરોપીને નાલાસોપારા લાવવામાં આવ્યો હતો.