ડીઆરઆઈની નાગપુર ઑફિસમાંથી કૂદકો મારી આરોપીની આત્મહત્યા
નાગપુર: સોનાની કથિત દાણચોરી પ્રકરણે પકડાયેલા આરોપીએ ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની નાગપુરની ઈમારતમાં છઠ્ઠા માળે આવેલી ઑફિસમાંથી કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હતું.
ગિટ્ટીખદાન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાતે નાગપુરમાં સેમિનરી હિલ્સ સ્થિત સીજીઓ કૉમ્પ્લેક્સમાં આવેલી ડીઆરઆઈની ઑફિસ ખાતે બની હતી. આ પ્રકરણે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ: મૃત્યુઆંક આઠ થયો
સાંગલીથી 14 જૂને દીપક મછિન્દ્ર દેસાઈ (27)ની ધરપકડ કરવામાં આવી હતી. દુબઈથી દાણચોરીથી સોનું લાવી ઉત્તર પ્રદેશમાં વેચવા પ્રકરણે દેસાઈની સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરાઈ હતી.
દેસાઈના સાથીની અગાઉ ધરપકડ કરાઈ હતી અને તેની કારમાંથી બે કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. વારાણસીથી લખનઊ જઈ રહ્યો હતો ત્યારે તેને તાબામાં લેવાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ડીઆરઆઈના અધિકારીઓએ રવિવારની રાતે દેસાઈની પૂછપરછ હાથ ધરી ત્યારે છઠ્ઠા માળે આવેલી ઑફિસની બારીમાંથી તેણે કૂદકો માર્યો હતો. નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયેલા દેસાઈને તબીબે મૃત જાહેર કર્યો હતો. (પીટીઆઈ)