માહિમ પોલીસ કોલોનીમાં પંદર ઘરોનાં તાળાં તોડી હાથફેરો કરનારો રીઢો આરોપી પકડાયો

મુંબઈ: માહિમમાં આવેલી પોલીસ કોલોનીમાં પંદર ઘરોનાં તાળાં તોડીને હાથફેરો કરનારા આરોપીને પોલીસે પકડી પાડી લોકઅપભેગો કરી દીધો હતો. આરોપી વિરુદ્ધ કુર્લા, દિંડોશી અને એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનમાં ચોરીના આઠ ગુના નોંધાયેલા છે.
આ પણ વાંચો: Bharat Bandh : પટનામાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, લાઠીચાર્જ કરાયો
માહિમ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ કમરુદ્દીન શેખ તરીકે થઇ હતી. આરોપીને કોર્ટમાં હાજર કરાતાં તેને 28 ઑગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
માહિમ પોલીસ કોલોનીમાં રવિવારે મધરાતે એક વાગ્યાથી સોમવારે મળસકે ચાર વાગ્યા દરમિયાન પંદર ઘરોનાં તાળાં તોડીને ચાંદીની વસ્તુઓ, મૂર્તિઓ સહિત રૂ. 13 હજારની મતા ચોરવામાં આવી હતી. આ પ્રકરણે માહિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેને આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી.
આ પણ વાંચો: બદલાપુર છાવણીમાં ફેરવાયુંઃ પોલીસે ભર્યું આ પગલું, ટ્રેનસેવા પાટે ચઢી…
પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા, જેમાં શકમંદ નજરે પડ્યો હતો. એ ફૂટેજને આધારે શકમંદની શોધ ચલાવવામાં આવી હતી અને આખરે મળેલી માહિતીને આધારે તેને પકડી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં ગુનાની કબૂલાત કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.