26/11 મુંબઈ હુમલા કેસમાં મુક્ત થયેલા આરોપીને રોજીરોટી કમાવવાની મુશ્કેલી, કોર્ટમાં કરી અરજી

મુંબઈઃ 26/11ના મુંબઈ હુમલા કેસમાં મુક્ત થયેલા ફહિમ અન્સારીએ પોતાની રોજીરોટી રળવા માટે ઓટોરીક્ષા ચલાવવા પોલીસ ક્લીઅરન્સ સર્ટિફિકેટ મેળવવા માટે બોમ્બે હાઇ કોર્ટમાં ધા નાખી છે.
મે, 2010ના વિશેષ અદાલતે આ કેસમાં પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને દોષી ઠરાવ્યો હતો જ્યારે બે ભારતીય આરોપી ફહિમ અન્સારી અને સબાઉદ્દીન અહેમદને પુરાવાના અભાવે મુક્ત કર્યા હતા. મુંબઈમાં ત્રાસવાદી હુમલા કરાવવા માટે આતંકવાદી જૂથ લશ્કરે તૈયબાને મદદ કરવા તથા આ કાવતરામાં સહયોગ આપવાનો આ બન્ને પર આરોપ હતો.
બોમ્બે હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આ બન્નેને મુક્ત કરવાના નિર્ણયને બહાલી આપી હતી. તેમ છતાં ફહિમ અન્સારીને ઉત્તર પ્રદેશમાં અન્ય કેસમાં દોષી ઠરાવીને દસ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
આ પણ વાંચો…પશ્ચિમ રેલવેમાં શનિ-રવિના રહેશે વિશેષ બ્લોક, જાણો કયા કોરિડોરમાં થશે અસર?
અન્સારીએ ગયા મહિને હાઇ કોર્ટમાં અરજી કરીને પોલીસ ક્લીઅરન્સ સર્ટિફિકેટની માગણીઁ કરી હતી જેથી તે પોતાની આજીવિકા રળવા માટે ઓટોરિક્ષા ચલાવી શકે. તેણે આક્ષેપ કર્યો હતો કે સત્તાવાળાઓએ તેને આતંકવાદી જૂથ સાથે સંબંધ હોવાનું કહીને સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો હતો.
તેણે સત્તાવાળાઓના આ નિર્ણયને અત્યાચારી ગણાવ્યો હતો અને રોજીરોટી કમાવવાના અધિકારનો ભંગ થઇ રહ્યો હોવાનું અરજીમાં કહ્યું હતું. હાઇ કોર્ટે આ અરજી પરની સુનાવણી 17મી માર્ચ સુધી મુલતવી રાખી છે.