બંગલાદેશમાં પત્નીની હત્યાના કેસમાં પેરોલ પર છૂટી ફરાર થયેલો આરોપી અમદાવાદથી પકડાયો

મુંબઈ: બંગલાદેશમાં પત્નીની હત્યાના કેસમાં પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઇ ગયેલા આરોપીને પનવેલ શહેર પોલીસે ગયા સપ્તાહે અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ રૂબેલ અનુમિયા શિકદેર (29) તરીકે થઇ હોઇ તેણે ત્રણ બંગલાદેશીને ભારતમાં ઘૂસણખોરી કરવામાં મદદ કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
પનવેલ શહેર પોલીસે 6 ડિસેમ્બરે સેક્ટર આર-1 ખાતેના કરંજાડે વિસ્તારમાં આવેલી ઇમારતમાં ગેરકાયદે વસવાટ કરનારા ત્રણ બંગલાદેશી અમીનૂર શેખ, તેની પત્ની કોહિનૂર તથા ઇબાદ શેખને ઝડપી પાડ્યા હતા. ત્રણેયની પૂછપરછમાં તેમને ભારતમાં ઘૂસણખોરી માટે મદદ કરનારા રૂબેલ શિકદેરનું નામ સામે આવ્યું હતું. પોલીસે રૂબેલ વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું અને ગયા સપ્તાહે અમદાવાદમાં સ્થાનિક પોલીસની મદદથી તેને ઝડપી પાડ્યો હતો. રૂબેલ અમદાવાદમાં છેલ્લા એક વર્ષથી રહેતો હતો.
દરમિયાન પોલીસે રૂબેલની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે બંગલાદેશમાં તેણે 28 ડિસેમ્બર, 2021ના રોજ પત્ની રોજીના ખાનમની હત્યા કરી હતી અને આ કેસમાં કોર્ટે તેને સજા ફટકારી હતી. બાદમાં તે પેરોલ પર બહાર આવ્યો હતો અને જેલમાં પાછો ન ફરતાં ફરાર થઇ ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.