મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત, ત્રણના મોત

મુંબઇઃ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આજે સવારે ત્રણ વાહનોનો ભયાનક અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. પાઇપ લઇને જતી ટ્રક, ચિકન લઇને જતી પીકઅપ વેન અને કાર એમ ત્રણ વાહનો એકબીજા સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બન્યો હતો. પાઈપ લઈને જતી ટ્રકની બ્રેક ફેઈલ થવાના કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે પાઈપ લઈને જતી ટ્રકની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી, જેને કારણે ટ્રક ચીકન લઈને જઈ રહેલા પીકઅપ ટેમ્પો સાથે અથડાઈ હતી. પીક અપ ટેમ્પોએ આગળ જઈ રહેલી ઓમ્ની કારને ટક્કર મારી દીધી હતી.
આ અકસ્માતમાં ઓમ્ની કારમાં સવાર પાંચ લોકોમાંથી ડ્રાઈવર અને એક મહિલાનું મોત થયું હતું અને 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચિકન લઈને જઈ રહેલા ટેમ્પોમાં ચાર જણ હતા. તેમાંથી ચાલક સહિત 2 જણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ટ્રકમાં ડ્રાઇવર સહિત ત્રણ જણ હતા, જેમાંથી એકનું મોત થયું હતું અને અન્ય બે જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે એમજીએમ હોસ્પિટલ પનવેલ અને ખોપોલી મ્યુનિસિપલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે તેમજ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા છે.
એક્સપ્રેસ વે પર અકસ્માતની માહિતી મળતા જ IRB પેટ્રોલિંગ ટીમ, અકસ્માત પીડિતોની સહાય માટે સામાજિક સંસ્થાઓ, ડેલ્ટા ફોર્સ, મહારાષ્ટ્ર સુરક્ષા દળના જવાનો, લોકમાન્ય હોસ્પિટલ એમ્બ્યુલન્સ સેવા અને મહારાષ્ટ્ર સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા અકસ્માત સ્થળે પહોંચી ગઇ હતી અને તુરંત સહાય પૂરી પાડી હતી.
આ અકસ્માતની જાણ થતાં હાઇવે ટ્રાફિક પોલીસ-બોરઘાટના અધિકારીઓ, ખપોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અકસ્માત બાદ થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો, પરંતુ તાત્કાલિક રાહત કાર્ય પૂર્ણ કરી વાહનવ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો.