અકસ્માતમાં મૃત્યુ પામેલા સિક્યોરિટી ગાર્ડને 13.85 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં 2022માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા સિક્યોરિટી ગાર્ડના પરિવારને 13.85 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે આપ્યો હતો.
અકસ્માતની ઘટના 14 મે, 2022ના રોજ બની હતી. થાણેના વાગળે એસ્ટેટ પરિસરમાં આવેલી ખાનગી કંપનીના કમ્પાઉન્ડમાં કમલેશ રામમૂરત સિંહ (53) સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. તે સમયે થાણેની એક હૉસ્પિટલની પિક-અપ ટ્રકે કમ્પાઉન્ડ પાસે પાર્ક વૅનને ટક્કર મારી હતી.
આપણ વાચો: પરિવારને 26.25 લાખનું વળતર પરિવારને 26.25 લાખનું વળતર
ટ્રકના ડ્રાઈવરે બેદરકારીથી પૂરપાટ વેગે ટ્રક ચલાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સિંહ વૅન અને કંપનીની કમ્પાઉન્ડ વૉલ વચ્ચે દબાઈ ગયો હતો. માથામાં ગંભીર ઇજાને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ ચાર્જશીટ અને તપાસ અધિકારી દ્વારા જપ્ત કરાયેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ પર આધાર રાખ્યો હતો. પિક-અપ ટ્રકના ડ્રાઈવરે બેદરકારી દાખવી હતી અને તેજ ગતિથી વાહન ચલાવ્યું હતું, જે વૅન સાથે અથડાયું હતું, એવી નોંધ ટ્રિબ્યુનલે કરી હતી.
ટ્રિબ્યુનલે સિંહના પરિવારને વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે 13.85 લાખ રૂપિયાના વળતરનો આદેશ આપ્યો હતો. આમાંથી 6.85 લાખ રૂપિયા મૃતકની પત્ની, જ્યારે બે સંતાનને પ્રત્યેકી 3.5 લાખ રૂપિયા આપવાનું અને અમુક રકમ બે વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવાનું જણાવાયું હતું. (પીટીઆઈ)



