ગેંગસ્ટર અબુ સાલેમની મુદતપુર્વ મુક્તિનો પ્રસ્તાવ વિચારણા હેઠળ: મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટને જણાવ્યું

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટને એવી જાણકારી આપી છે કે પ્રત્યાર્પણ કરાયેલા ગેંગસ્ટર અબુ સાલેમની મુદતપુર્વ મુક્તિનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં તેના પર નિર્ણય લેવામાં આવશે.
નવેમ્બર 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ થયા પછી સાલેમે ફક્ત 19 વર્ષ જેલમાં વિતાવ્યા છે, સરકારે દોષી ગેંગસ્ટરની જેલમાંથી મુક્તિની અરજીના જવાબમાં તેના સોગંદનામામાં ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
આપણ વાંચો: 1993ના સિરિયલ બ્લાસ્ટના આરોપી અબુ સાલેમની ‘માફી’ માટે હાઈ કોર્ટમાં અરજી
રાજ્ય સરકારે બુધવારે જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને અદ્વૈત સેઠનાની ખંડપીઠ સમક્ષ સાલેમની અરજીના જવાબમાં બે સોગંદનામા રજૂ કર્યા હતા. એડવોકેટ ફરહાના શાહ દ્વારા દાખલ કરેલી અરજીમાં, સાલેમે એવો દાવો કર્યો હતો કે જો સારા વર્તન માટે માફીનો સમાવેશ કરવામાં આવે તો તે પચીસ વર્ષની જેલની સજા ભોગવી ચૂક્યો છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે સાલેમને પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું, ત્યારે ભારત સરકારે ખાતરી આપી હતી કે તેને કોઈપણ કેસમાં મૃત્યુદંડની સજા આપવામાં આવશે નહીં અને તેને પચીસ વર્ષથી વધુની સજા નહીં થાય.
રાજ્ય સરકારે ગૃહ વિભાગના સંયુક્ત સચિવ સુગ્રીવ ધપતે દ્વારા દાખલ કરાયેલા સોગંદનામામાં જણાવ્યું છે કે સાલેમની મુદતપુર્વ મુક્તિ માટેની દરખાસ્ત વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં તેના પર નિર્ણય લેવામાં આવશે.
આપણ વાંચો: 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના ગુનેગાર અબુ સાલેમને દિલ્હીથી મનમાડ લાવવામાં આવ્યો
સરકારી સોગંદનામા મુજબ, સાલેમને નવેમ્બર 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો અને 28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં તેની વાસ્તવિક કેદ 19 વર્ષ, ત્રણ મહિના અને 20 દિવસની થઈ હતી.
એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અને ઈન્સપેક્ટરપ જનરલ, જેલ સુહાસ વર્કે દ્વારા દાખલ કરાયેલા અન્ય સોગંદનામામાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર જેલ મેન્યુઅલની જોગવાઈઓ અનુસાર સાલેમની મુદતપુર્વ મુક્તિ માટેની દરખાસ્ત સલાહકાર બોર્ડ અને ટ્રાયલ કોર્ટના અભિપ્રાય સાથે રાજ્ય સરકારને મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી.
આપણ વાંચો: અબુ સાલેમે જેલ ટ્રાન્સફરને હાઇ કોર્ટમાં પડકારી: જીવને જોખમ હોવાનો કર્યો દાવો
અરજદાર અબુ સાલેમનો ઇતિહાસ બિલકુલ સ્વીકાર્ય નથી. તેણે ભારતમાં ઘણા ગુના કર્યા છે. ત્યારબાદ તે વિદેશમાં ફરાર થઈ ગયો હતો એમ વર્કેએ સોગંદનામામાં જણાવ્યું હતું. સોગંદનામા મુજબ સાલેમને 1993ના બોમ્બ વિસ્ફોટ કેસ સહિત બે કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
માર્ચ 2025 સુધીમાં સાલેમ 19 વર્ષની જેલ ભોગવી ચૂક્યો છે અને તેથી પચીસ વર્ષનો સમયગાળો આજ સુધી પૂર્ણ થયો નથી, એમ તેમાં જણાવાયું છે.
‘મહારાષ્ટ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા તેમની મુદતપુર્વ મુક્તિ અંગે નિર્ણય લેવામાં આવ્યા પછી જ અરજદાર (સાલેમ)ની પચીસ વર્ષ પૂર્ણ થવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવશે,’ એમ કોર્ટે જણાવ્યું હતું.
બેન્ચે આ કેસની આગામી સુનાવણી જૂનમાં મુલતવી રાખી હતી.