આમચી મુંબઈમહારાષ્ટ્ર

નંદુરબારમાં પ્રૌઢની હત્યાના કેસમાં ફરાર આરોપીઓ મુંબઈથી પકડાયા

જમાઇએ આપી હતી હત્યા માટે રૂ. ત્રણ લાખની સુપારી

મુંબઈ: નંદુરબારમાં પ્રૌઢની હત્યા કરીને ફરાર થયેલા ચાર આરોપીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ગોરાઇથી ઝડપી પાડ્યા હતા. આરોપીમાં બે સગીરનો સમાવેશ હોઇ તેમને બાદમાં નંદુરબાર ક્રાઇમ બ્રાન્ચને હવાલે કરવામાં આવ્યા હતા. પ્રૌઢની હત્યા માટે તેના જમાઇએ રૂ. ત્રણ લાખની સુપારી આપી હતી, એવું તપાસમાં બહાર આવ્યું હતું.

નંદુરબારના સદાશિવનગરમાં રહેતો રાજેન્દ્ર મરાઠે (55) 14 માર્ચે ખરીદી કરવા માટે નીકળ્યો હતો. જોકે મોડી રાત સુધી તે ઘરે પાછો ન ફરતાં પરિવારજનોએ તેની શોધ ચલાવી હતી અને બાદમાં સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 16 માર્ચે નાંદર્ડેથી તળોદા રોડ પર પુલ પાસે પોલીસને રાજેન્દ્રનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને સળગાવવાનો પ્રયાસ કરાયો હતો.


દરમિયાન આ કેસની તપાસ ત્યાંની ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ હતી અને પોલીસે રાજેન્દ્રના જમાઈ ગોવિંદ સોનારને શંકાને આધારે તાબામાં લીધો હતો. પૂછપરછમાં ગોંવિદે કૌટુંબિક વિવાદને લઇ સસરાની હત્યા માટે રૂ. ત્રણ લાખની સુપારી આપી હોવાનું બહાર આવ્યું હતું. ચાર આરોપીઓએ રાજેન્દ્રનું ગળું દબાવીને તથા લોખંડના સળિયાથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. બાદમાં મૃતદેહ પર કેમિકલ નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

હત્યા કર્યા બાદ આરોપીઓ સુરત ભાગી છૂટ્યા હતા અને ત્યાંથી તેઓ મુંબઈના ગોરાઇ વિસ્તારમાં આવ્યા હતા. આની માહિતી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મળતાં પોલીસ ટીમે છટકું ગોઠવી ચારેય જણને તાબામાં લીધા હતા. પૂછપરછમાં તેમણે ગુનાની કબૂલાત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button