અભિષેક ઘોસાળકર હત્યાકેસ: આરોપી મોરિસના બોડીગાર્ડ સામેના આક્ષેપો ‘વાજબી’: કોર્ટ
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા અભિષેક ઘોસાળકરની હત્યા કરવા મોરિસ નોરોન્હાએ જેની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો એ બોડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રા પર લગાવાયેલા આક્ષેપો ‘વાજબી લાગે છે,’ એવું અવલોકન કોર્ટે કર્યું હતું.
એડિશનલ સેશન્સ જજ રાજેશ સાસનેએ 5 માર્ચે મિશ્રાના જામીન નકારતી વખતે આવું અવલોકન કર્યું હતું. આર્મ્સ એક્ટ હેઠળ મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે શું મિશ્રાએ નોરોન્હાને પિસ્તોલ આપી હતી અને ઘોસાળકરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું કે કેમ તે અંગે તપાસ કરવાની જરૂર છે.
સ્થાનિક વેપારી અને સામાજિક કાર્યકર મોરિસ નોરોન્હાએ ગયા મહિને બોરીવલીમાં ફેસબૂક લાઇવ સેશન્સ વખતે ઘોસાળકરની હત્યા કરવા મિશ્રાની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. નોરોન્હાએ ત્યાર બાદ આત્મહત્યા કરી હતી.
મિશ્રાએ પોતાની જામીન અરજીમાં દાવો કર્યો હતો કે તે નિર્દોષ છે અને તેને આ કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવ્યો છે.
ફરિયાદ પક્ષે આરોપ કર્યો હતો કે નોરોન્હાએ ઘોસાળકરને ગોળી મારવા મિશ્રાની પિસ્તોલ વાપરી હતી અને બંનેએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
દરમિયાન બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું હતું કે પ્રથમદર્શી એવું લાગી રહ્યું છે કે નોરોન્હાએ ઘોસાળકરની હત્યા કરવા તેના બોડીગાર્ડની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો. મિશ્રાએ પિસ્તોલના લાઇસન્સની નકલ રજૂ કરી છે.
મિશ્રાએ દાવો કર્યો હતો કે નોરોન્હાએ આપેલા લોકરમાં તેણે પિસ્તોલ લોકરમાં રાખી હતી. આથી એવું લાગે છે કે જો પિસ્તોલ લોકરમાં રાખવામાં આવી હતી તો તેની ચાવી આરોપી પાસે હોવી જોઇએ, એવું કોર્ટે નોંધ્યું હતું. (પીટીઆઇ)