ફરીથી બહેનો માટે આદિવાસીઓનું ભંડોળ છીનવાયું, કુલ રૂ. 671 કરોડનું ડાયવર્ટ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્ય સરકારે ફરી એકવાર આદિવાસી અને જનકલ્યાણ વિભાગોના ભંડોળને લાડકી બહેનની યોજનામાં વાળ્યું છે. 335.70 કરોડ રૂપિયા મહિલા અને બાળ કલ્યાણ ખાતાને વળતા કરવામાં આવ્યા છે. આદિવાસી વિભાગના કુલ રૂ. 671 કરોડના ભંડોળ પર ફટકો પડ્યો છે.
રાજ્યની આદિવાસી મહિલાઓને મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજનાનો લાભ મળે છે. આ આદિવાસી સમાજની મહિલાઓને નામે આદિવાસી કલ્યાણ યોજનામાંથી ભંડોળ મહિલા અને બાળ કલ્યાણ ખાતાને વળતું કરવામાં આવતું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, જોકે કેટલી આદિવાસી બહેનોને આ યોજનાનો લાભ મળે છે તેના કોઈ નક્કર આંકડા મહિલા અને બાળકલ્યાણ ખાતા દ્વારા રજૂ કરવામાં આવ્યા નથી.
આપણ વાંચો: લાડકી બહેન યોજના માટે વિવિધ વિભાગોના ભંડોળમાં કાપ
નાણા વિભાગે એ પણ તપાસ કરી નથી કે આ ભંડોળ આદિવાસી મહિલાઓ માટે વાપરવાનું ફરજિયાત હોવા છતાં હકીકતમાં તેનો લાભ આદિવાસી મહિલાઓ સુધી પહોંચી રહ્યો છે કે નહીં.
જોકે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ ભંડોળ એવી મહિલાઓ અને છોકરીઓ માટે છે જે આ યોજના માટે પાત્ર છે, પરંતુ રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું નથી કે આદિવાસી સમાજની મહિલાઓ યોજનાનો લાભ લઈ રહી છે કે નહીં.
આપણ વાંચો: લાડકી બહેન યોજના ચાલુ રહેશે, રદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી: અજિત પવાર…
દર મહિને આવી રીતે ભંડોળ ડાયવર્ટ કરાશે
રાજ્ય સરકારે 2025-26ના વર્ષના બજેટમાં અનુસૂચિત જનજાતીઓ માટે રૂ. 21,415 કરોડની ફાળવણી કરી છે, તેમાંથી આદિવાસી વિકાસ ખાતાને આપવામાં આવેલા રૂ. 3,420 કરોડના સહાયક અનુદાનમાંથી દર મહિને 335.70 કરોડનું ભંડોળ લાડકી બહેન યોજના માટે વાળવામાં આવશે. આ બંને ખાતામાંથી દર મહિને આ ભંડોળ કાપવામાં આવશે એમ પણ જાણવા મળ્યું છે.