Election Result: આદિત્યની જીત માટે ‘કાકા’ જવાબદાર, અમિતની હાર માટે ‘કાકા’ જવાબદાર…

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો દબદબો પાંચ દાયકાથી કાયમ છે. ૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં ઠાકરે પરિવારના બે યુવા ચહેરા – આદિત્ય અને અમિત ઠાકરે -એ પોતાનું નસીબ અજમાવ્યું હતું.
આ પણ વાંચો : Election Result: પરિણામો અંગે ઉદ્ધવ ઠાકરેની આવી પહેલી પ્રતિક્રિયા, CM ભાજપમાંથી બને એવી અપેક્ષા
આદિત્ય ઠાકરે વરલીથી સતત બીજી વાર વિજયી થયો હતો, જ્યારે અમિત ઠાકરે પહેલી વાર માહિમ મતદારસંઘમાંથી ચૂંટણી લડી રહ્યો હતો, જે ત્રીજા સ્થાને આવ્યા હતો. મજાની વાત તો એ છે કે બંને ભાઈઓનાં ચૂંટણી પરિણામોમાં તેમના કાકાઓએ મોટી ભૂમિકા ભજવી છે.
આદિત્ય ઠાકરેએ પોતાના વિજય માટે તેના કાકા રાજ ઠાકરેનો આભાર માનવો જોઇએ, જ્યારે અમિત ઠાકરે પણ કદાચ પોતાની પરાજય માટે કાકા ઉદ્ધવ ઠાકરેને જ દોષી ગણાવતો હશે. વરલી અને માહિમ જે એક સમયે શિવસેનાનો ગઢ મનાતો હતો, જે આજે ત્રિકોણિયો જંગ બનીને રહી ગયો છે.
વરલીમાં આદિત્ય ઠાકરેનો સામનો શિવસેના (શિંદે જૂથ)ના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સભ્ય મિલિંદ દેવરા સામે હતો. મિલિંદ દેવરાનો દક્ષિણ મુંબઈમાં સારો પ્રભાવ છે અને તેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા છે.
અહીંની બેઠક પર મિલિંદ દેવરા મજબૂત દાવેદાર મનાઇ રહ્યા હતા. ૨૦૧૯માં આદિત્યએ વરલી બેઠક ૭૨.૭ વોટ શેર સાથે જીતી હતી, પણ આ વખતે થોડો મામલો જુદો હતો. રાજ ઠાકરેની મનસેએ ૨૦૧૯માં પોતાનો ઉમેદવાર નહોતો ઉતાર્યો, પણ આ વખતે સંદીપ દેશપાંડેને મેદાનમાં ઉતાર્યા હતા. આ જ કારણ છે કે મિલિંદ દેવરાનો ખેલ બગડી ગયો હતો.
બીજી બાજુ માહિમમાં ત્રિકોણિયો જંગ રહ્યો હતો. અહીં શિંદે જૂથ, ઉદ્ધવ જૂથ અને મનસે વચ્ચે લડાઈ હતી. આ બેઠક પર ઉદ્ધવ ઠાકરેના ઉમેદવાર મહેશ સાવંતે બાજી મારી હતી. પરિણામમાં મહેશ સાવંતને ૫૦૨૧૩ મત મળ્યા હતા.
આ પણ વાંચો : પાડો પાડો પાડો! પવારે જે મતવિસ્તારમાં આવું કહ્યું ત્યાં શું થયું?
શિંદે જૂથના સદા સરવણકરને અંદાજે ૪૮૮૯૭ મત મળ્યા હતા, જ્યારે અમિત ઠાકરેને ૩૩૦૬૨ મત મળ્યા હતા. જો ઉદ્ધવ ઠાકરેએ પોતાનો ઉમેદવાર ન ઉતાર્યો હોત તો અમિત ઠાકરે તેની પહેલી ચૂંટણી જીત શકવામાં સફળતા મેળવી શક્યા હોત. આમ બંને ભાઈઓએ પોતાની હાર અને જીતનો આભાર કાકાઓને આપ્યો હતો.