મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની કર્ણાટકના કૉંગ્રેસી વિધાનસભ્યની માગણી: આદિત્ય ઠાકરેએ કહ્યું સહી નહીં લેવાય

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ગુરુવારે કહ્યું હતું કે તેમની પાર્ટી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાના કોઈપણ પ્રયાસને સહન કરશે નહીં. વિપક્ષી ગઠબંધન એમવીએના સાથી કૉંગ્રેસને તેમના કર્ણાટકના વિધાનસભ્યને મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગણી બાબતે ઠપકો આપવાની માગણી કરી હતી.
મુંબઈને માતૃભૂમિ ગણાવતાં ઠાકરેએ કહ્યું હતું કે મરાઠી માણુસે આને મેળવવા માટે લોહી રેડ્યું છે.
કર્ણાટક કૉંગ્રેસના વિધાનસભ્ય લક્ષ્મણ સાવડીએ કથિત નિવેદનમાં કહ્યું હતું કે જો મહારાષ્ટ્રના નેતાઓ બેલગાવીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગણી કરતા હોય તો મુંબઈને પણ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી નાખવો જોઈએ.
વરલીના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ એક્સ પર કરેલી પોસ્ટમાં કહ્યું હતું કે મુંબઈને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માગણી નીંદનીય છે. તે કૉંગ્રેસ દ્વારા કરવામાં આવે કે પછી ભાજપ દ્વારા, શિવસેના મહારાષ્ટ્રથી મુંબઈને તોડવાના કોઈપણ પ્રયાસોને સાંખી લેશે નહીં. મુંબઈ અમારી માતૃભૂમિ છે. મરાઠી માણુસે આ ભૂમિ પોતાનું લોહી વહેવડાવીને મેળવી છે. મુંબઈ અમને કોઈએ એમ ને એમ આપી દીધી નહોતી.
કૉંગ્રેસના નેતૃત્વે પોતાના વિધાનસભ્યોને આ બાબતે ઠપકો આપવો જોઈએ, એમ પણ આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.