આત્મહત્યા કરવાનું વિચારી રહેલાયુવકને ક્રાઈમ બ્રાન્ચે બચાવી લીધો
* ઈન્ટરનેટ પર ‘આત્મહત્યા માટેના ઉત્તમ માર્ગો’ અંગે સર્ચ કરનારા યુવકની માહિતી ઈન્ટરપોલે પોલીસને આપી
* બેરોજગારી અને જેલમાં બંધ માતાને છોડાવવામાં નિષ્ફળતાથી યુવક હતાશ થઈ ગયો હતો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘આત્મહત્યા માટેના ઉત્તમ માર્ગો’ અંગેે ઈન્ટરનેટ પર સર્ચ કરનારા યુવકની માહિતી સતર્ક ઈન્ટરપોલે પોલીસને આપતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને અંતિમ પગલું ભરતાં બચાવી લીધો હતો. બેરોજગારી અને જેલમાં બંધ માતાને છોડાવવામાં નિષ્ફળતા મળતાં હતાશ થઈ ગયેલો માલવણીનો યુવક આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો.
ઈન્ટરપોલ દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબરને ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-૧૧ના સિનિયર ઈન્સ્પેક્ટર વિનાયક ચવ્હાણની ટીમે ટ્રેસ કર્યો હતો. સંબંધિત મોબાઈલ ફોન મલાડ પશ્ર્ચિમના માલવણી વિસ્તારમાં ઍક્ટિવ હોવાનું જાણવા મળ્યું હતું. મોબાઈલ લૉકેશનને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ૨૮ વર્ષના યુવક સુધી પહોંચી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ મૂળ રાજસ્થાનનો યુવક છેલ્લાં કેટલાંક વર્ષથી મીરા રોડમાં સગાંને ઘેર રહેતો હતો. હાલમાં તે માલવણીમાં કાકા સાથે રહેવા લાગ્યો હતો. તેની માતા વર્ષોથી મુંબઈમાં જ રહેતી હતી.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે યુવક પાંચ-છ મહિનાથી બેકાર છે. મલાડ પોલીસે બે વર્ષ અગાઉ તેની માતાની એક ફોજદારી ગુનામાં ધરપકડ કરી હતી. ધરપકડ બાદથી માતા જેલમાં જ છે અને યુવક તેને જામીન પર છોડાવવામાં નિષ્ફળ ગયો છે. આ બધી બાબતોને કારણે તે હતાશ થઈ ગયો હતો.
યુવકના મનમાં આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગ્યા હતા. મોબાઈલ ફોનમાં ઈન્ટરનેટ પર તે વારંવાર ‘સુસાઈડ બેસ્ટ વે’ ટાઈપ કરીને સર્ચ કરતો હતો. ઈન્ટરપોલની નજર પડતાં તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. માલવણીમાંથી તાબામાંથી તાબામાં લઈ યુવકને ક્રાઈમ બ્રાન્ચની ઑફિસે લાવવામાં આવ્યો હતો અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. એ સિવાય પોલીસ દ્વારા તેના માટે સારી નોકરી મેળવી આપવાના પ્રયત્ન કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી હતી. સમજાવટ પછી યુવકને તેના કઝિન સાથે ઘરે જવા દેવામાં આવ્યો હતો.