આમચી મુંબઈ
દારૂ પીતી વખતે વિવાદ થતાં મિત્રોએ ગોળી મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

થાણે: દારૂ પીતી વખતે વિવાદ થયા બાદ 18 વર્ષના યુવકને તેના મિત્રોએ ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના કલ્યાણમાં બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કલ્યાણના સૂર્યાનગર વિસ્તારમાં સોમવારે રાતે 11.15 વાગ્યે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ રાજન યેરકર તરીકે થઇ હતી.
રાજન યેરકર સોમવારે રાતના તેના ચાર મિત્ર સાથે દારૂ પીવા બેઠો હતો. દારૂ પીતી વખતે તેમની વચ્ચે કોઇ બાબતે વિવાદ થયો હતો. આથી ઉશ્કેરાયેલા એક મિત્રએ રિવોલ્વર કાઢીને રાજન પર ગોળીબાર કર્યો હતો.
ગોળીબારમાં ઘવાયેલા રાજનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસે આ પ્રકરણે આરોપી રોહિત ભાલેકર, પરવેઝ શેખ, સુનીલ વાઘમારે અને સમીર ચવ્હાણ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધ આદરી હતી. (પીટીઆઇ)