અંધેરીમાં કારમાં લાગેલી આગમાં યુવક ગંભીર રીતે દાઝ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરી (પૂર્વ)માં મહાકાલી રોડ પર મંગળવાર મધરાત બાદ પાર્ક કરવામાં આવેલી કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં કારની અંદર સૂઈ રહેલો ૪૫ વર્ષનો યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો. તો અન્ય બે કારની સાથે કુલ ત્રણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ અંધેરી (પૂર્વ)માં મહાકાલી કેલુજ રોડ પર ટ્રાન્સ રેસિડેન્સીની સામે અનેક વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. મંગળવારે મોડી રાતના લગભગ ૨.૨૫ વાગે પાર્ક કરેલી એક કારમાં આગ ફાટી નીકળી હતી, જે અન્ય બે કારમાં પણ ફેલાઈ ગઈ હતી. આગમાં ત્રણે કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ ત્રણ કારમાંથી એક કારમાં રાતના સમયે સૂઈ રહેલો ૪૫ વર્ષનો સિદ્દીકી નામનો યુવક દાઝી ગયો હતો. સમયસર તે કારમાંથી બહાર નીકળી નહીં શકતા લગભગ ૯૦ ટકા તે દાઝી ગયો હતો. તેને તુરંત કસ્તુરબા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર હોઈ તેના પર સારવાર ચાલી રહી છે.