એક્સપ્રેસ ટ્રેનની સામે આવી યુવાને જીવ આપ્યો

મુંબઈ: ડોમ્બિવલી નજીકના કોપર રેલવે સ્ટેશને ધસમસતી આવેલી એક્સપ્રેસ ટ્રેનની સામે આવીને યુવાને કથિત આત્મહત્યા કરી હોવાની ઘટનાથી સ્ટેશન પરના પ્રવાસીઓ ડરી ગયા હતા. સંબંધિત ઘટનાનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
મળતી માહિતી અનુસાર કોપર રેલવે સ્ટેશને રવિવારે પ્રવાસીઓની ભીડ નહીંવત જેવી હતી. ગણાગાંઠ્યા પ્રવાસીઓ અને રેલવે સુરક્ષા દળના કમાન્ડો પ્લૅટફોર્મ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. અમુક પ્રવાસીઓ પાટા ઓળંગીને પ્લૅટફોર્મ પર આવતા વીડિયોમાં નજરે પડે છે.
કહેવાય છે કે એક યુવાન પીઠ પર બેગ ભેરવીને ખાસ્સો સમયથી પ્લૅટફોર્મ પર આંટા મારતો હતો. તે સમયે કોઈને ખયાલ આવ્યો નહોતો કે યુવાન આવું પગલું ભરવાનો છે.
પ્લૅટફોર્મ પર આંટા માર્યા પછી યુવાન કૂદકો મારીને પાટા પર ઊતર્યો હતો. કોપર પૂર્વમાં બાલાજી ગાર્ડન કોમ્પ્લેક્સની દિશામાં તે ચાલવા લાગ્યો. તે જ સમયે કલ્યાણ તરફથી ધસમસતી એક્સપ્રેસ ટ્રેન આવી રહી હતી. ટ્રેનને જોઈને એક ક્ષણ માટે યુવાન ઊભો રહ્યો અને પછી જેવી ટ્રેન નજીક આવી કે તે ટ્રેનની સામે કૂદી પડ્યો હતો.
ટ્રેનની ટક્કરથી યુવાન દૂર ફંગોળાયો હતો. આ દૃશ્ય જોનારા પ્લૅટફોર્મ પરના પ્રવાસીઓ ડરી ગયા હતા. ટ્રેન પસાર થયા પછી કમાન્ડોએ ઘટનાની જાણ ડૉમ્બિવલી રેલવે પોલીસને કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ યુવાનના શબને શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસ પોલીસે હાથ ધર્યા હતા. આ પ્રકરણે ડોમ્બિવલી રેલવે પોલીસે એડીઆર નોંધ્યો હતો.
આ પણ વાંચો…ગેંગસ્ટર ઘાયવળના ભાગી જવા માટે મહાવિકાસ આઘાડીની સરકાર જવાબદાર: ફડણવીસ…