કાંજુર માર્ગમાં ટેમ્પોએ બાઇકને અડફેટમાં લેતાં યુવકનું મોત

મુંબઈ: કાંજુર માર્ગ વિસ્તારમાં પુરપાટ વેગે આવેલા ટેમ્પોએ બાઇકને અડફેટમાં લેતાં 20 વર્ષના યુવકનું મોત થયું હતું, જયારે તેનો મિત્ર ઘવાયો હતો. મૃતકની ઓળખ સુમિત યાદવ તરીકે થઇ હોઇ તે હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે કામ કરતો હતો.
સુમિતના ભાઇ રોશન યાદવે આ પ્રકરણે કાંજુર માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ગુનો દાખલ કરીને ટેમ્પોચાલકની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર ભાંડુપ પૂર્વમાં રહેતો સુમિત ગુરુવારે બપોરે તેના મિત્ર રિતેશ ઇંગળે સાથે બાઇક પર કાંજુર માર્ગ રેલવે સ્ટેશન તરફ જઇ રહ્યો હતો ત્યારે વીર સાવરકર માર્ગ પર ટેમ્પોએ તેમની બાઇકને ટક્કર મારી હતી. સુમિત માર્ગ પર પટકાયો હતો અને ટેમ્પોનું ટાયર તેના માથા પર ફરી વળ્યું હતું.
દરમિયાન સુમિતનો મોટો ભાઇ તેના મિત્ર સાથે અન્ય બાઇક પર આવી રહ્યો હતો. સુમિતને ઘાયલ અવસ્થામાં તેઓ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં સુમિતના મિત્ર રિતેશને પણ ઇજા પહોંચી હતી.